ગુપ્તા બંધુની ધરપકડઃ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ સાથે ઘરોબો ધરાવનાર કોણ છે આ બદમાશો?
- પ્રખ્યાત બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સ એટલે કે અનિલ ગુપ્તા અને અજય ગુપ્તાની પોલીસે કરી ધરપકડ
- દેહરાદૂનના પ્રખ્યાત બિલ્ડર સતીન્દર સિંહના આત્મહત્યા કેસમાં આ બંને પર લાગ્યા છે ગંભીર આરોપ
- દક્ષિણ આફ્રિકામાં પણ આ બંને ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો, જેના કારણે પ્રમુખ જુમાએ આપવું પડ્યું હતું રાજીનામું
દેહરાદૂન, 25 મે: દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત બિઝનેસમેન તરીકે જાણીતા ગુપ્તા બ્રધર્સ એટલે કે અનિલ ગુપ્તા અને અજય ગુપ્તાની ઉત્તરાખંડ પોલીસે ધરપકડ કરી છે. હકીકતમાં, દેહરાદૂનના પ્રખ્યાત બિલ્ડર સતીન્દર સિંહ ઉર્ફે બાબા સાહનીએ શુક્રવારે એક બિલ્ડિંગના આઠમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક ચિઠ્ઠી લખી હતી જેમાં ગુપ્તા બ્રધર્સના નામનો ઉલ્લેખ હતો. તેના આધારે પોલીસે મોટું પગલું ભર્યું અને સહારનપુરથી આ બંને ભાઈઓની ધરપકડ કરી છે.
ચિઠ્ઠીના આધારે પોલીસે કેસ નોંધી કરી ધરપકડ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 59 વર્ષીય બાબા સાહનીના પુત્ર રણવીર સિંહ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અને આત્મહત્યા કરતા પહેલા તેણે લખેલી ચિઠ્ઠીના આધારે પોલીસે આરોપી ગુપ્તા ભાઈઓ- અનિલ ગુપ્તા અને અજય ગુપ્તા વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને ધરપકડ કરવામાં આવી છે.
બિલ્ડરના પુત્રએ ગુપ્તા બંધુઓ પર કર્યા ગંભીર આક્ષેપો
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે 11:30 વાગ્યે રાજપુરમાં પેસિફિક ગોલ્ફ સ્ટેટ બિલ્ડિંગ પાસે એક વ્યક્તિ ઘાયલ હાલતમાં બેભાન પડી હોવાના સમાચાર મળ્યા, જેના પછી પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. આ વ્યક્તિની ઓળખ રેસકોર્સ વિસ્તારમાં રહેતા બિલ્ડર સાહની તરીકે થઈ હતી અને તેણે બિલ્ડિંગના આઠમા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. સાહનીને તેમના પુત્રો તરત જ મેક્સ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
પોલીસને આપેલી ફરિયાદમાં રણવીર સિંહે ગુપ્તા બંધુઓ પર તેના પિતાને ડરાવવા, ધમકાવવા અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે બાબા સાહનીએ અગાઉ પણ પોલીસને એક અરજી આપી હતી જેમાં ગુપ્તા બંધુઓ પર તેમના એક પ્રોજેક્ટ અંગે અયોગ્ય દબાણ લાવવાની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ આરોપોની તપાસ સિટી એસપી દ્વારા કરવામાં આવી રહી છે.
ગુપ્તા બંધુઓના કારણે જુમાને પ્રમુખ પદ છોડવું પડ્યું હતું
ગુપ્તા બ્રધર્સ તરીકે જાણીતા રાજેશ, અજય અને અનિલ ગુપ્તાની ગણતરી દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા બિઝનેસમેનમાં થાય છે. તે મૂળ સહારનપુરના છે. એક સમયે તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ જુમાના ખૂબ નજીક હતા. એવા આક્ષેપો છે કે તેમણે પ્રમુખ જુમા સાથેની તેમની નિકટતાનો અયોગ્ય નાણાકીય લાભ લીધો અને ઘણા પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચાર કર્યો હતો. આ સાથે તેમના પર ટોચના હોદ્દા પર નિમણૂકોને પ્રભાવિત કરવાનો આરોપ હતો. ગુપ્તા બ્રધર્સ વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા, જે પછી જેકબ જુમાને પ્રમુખ પદ છોડવું પડ્યું હતું અને તેમના સ્થાને સિરિલ રામાફોસાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ફિલ્મી સ્ટાઈલમાં ચાલતી ટ્રકમાંથી કરી ચોરી, વીડિયો થયો વાયરલ