ગુજકેટની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર, વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે
ગાંધીનગર, 21 માર્ચ 2024, ગુજરાત બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની 31 માર્ચના રોજ GUJCETની પરીક્ષા (ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ) લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. સ્કૂલો આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને આપી શકશે.
સ્કૂલે જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે
ધોરણ 12 સાયન્સ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા, ફાર્મસી પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓએ ગુજેક્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા માટે હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ બોર્ડની વેબસાઇટ gujcet.gsebht.in અથવા gsebht.inપરથી 21 માર્ચ 2024ના રોજ બપોરના 12 વાગ્યાથી ડાઉનલોડ કરવાનું રહેશે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ-2024માટે ભરેલા આવેદનપત્રમાં નોંધાયેલો મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ Search કરી, જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે.
એડમિશન કાર્ડ ફકત ઓનલાઇન માધ્યમથી જ મળશે
સ્કૂલ દ્વારા વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. સ્કૂલે જ વિદ્યાર્થીઓને ગુજકેટની હોલ ટિકિટ આપવાની રહેશે. હોલ ટિકિટ પર સ્કૂલના આચાર્યની સહી-સિક્કા હોવા જરૂરી છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજયની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પોતાના ઇન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગ-ઇન થઇ પોતાની શાળાના ગુજકેટ-2024 માટેના ઉમેદવારોના એડમિશન કાર્ડ ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે. ગુજકેટ-2024 માટેના એડમિશન કાર્ડ ફકત ઓનલાઇન માધ્યમથી જ મળશે. જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે.વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટ સાથે પોતાનું કોઈ એક ફોટો આઇડી પ્રૂફ સાથે રાખવું ફરજિયાત છે.
આ પણ વાંચોઃગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, સિઝનનું પ્રથમ વખત તાપમાન 40 ડિગ્રી પાર પહોંચ્યું