અમદાવાદગુજરાત

ગુજરાતના વોન્ટેડ બુટલેગર આશિષ અગ્રવાલને SMCએ નેપાળ બોર્ડર પરથી પકડ્યો

Text To Speech

અમદાવાદ, 6 મે 2024, ગુજરાતમાં દારૂની હેરાફેરીના કિસ્સા વધી રહ્યાં છે. દારૂનું વેચાણ રોકવા માટે SMCએ કમરકસી છે. ત્યારે રાજ્યમાં કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઠાલવનાર બુટલેગરો પૈકીનો એક બુટલેગર નેપાળ બોર્ડર પરથી ગુજરાત પોલીસના હાથે ઝડપાયો છે. આશિષ અગ્રવાલ નામના શખ્સ પર એક લાખનું ઈનામ જાહેર થયા બાદ તેને બિહાર-નેપાળ બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે બુટલેગર આશુ સામે નોંધાયેલા 19 કેસોની તપાસ SMC ને સોંપી છે.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી દારૂ ઠાલવતો
વોન્ડેટ આશિષ અગ્રવાલ બિહારમાં નેપાળ બોર્ડર પાસે હોવાની માહિતી SMCના ડીવાયએસપી કે. ટી. કામરીયાને મળી હતી. આ માહિતી મળતાની સાથે જ DIG નિર્લિપ્ત રાયે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનો સંપર્ક કરીને તેમને તમામ હકિકતથી વાકેફ કર્યા હતાં. પોલીસ વડા વિકાસ સહાયે લીલીઝંડી આપતા જ પીઆઈ આર. જી. ખાંટ તેમની ટીમ સાથે આશિષને ઝડપી લેવા માટે નીકળી ગયા હતાં. PI ખાંટે એક ખાનગી કાર ભાડે મેળવી હતી. કલાકોની મહેનત બાદ બિહારના મોતીહારી જિલ્લાના સેમરા ખાતેથી બુટલેગર આશિષને આંતરી ઝડપી લીધો. આશુની ધરપકડ બાદ તેનો કારભાર સંભાળતા રાવલ ભાટીને રાજસ્થાનના ઉદેપુર ખાતેથી પકડી લીધો હતો.દારૂના ઠેકેદારો પાસેથી માલ લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી દારૂ ઠાલવતા આશિષ સામે 90થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને ભૂતકાળમાં તેની ગુજરાત પોલીસ ધરપકડ પણ કરી ચૂકી છે.

દારૂના 19 કેસોમાં બુટલેગર આશિષનું નામ સામે આવ્યું
સવા વર્ષમાં ગુજરાત પોલીસ અને SMC એ કરેલા દારૂના 19 કેસોમાં બુટલેગર આશિષનું નામ સામે આવ્યું હતું. 19 કેસમાં વૉન્ટેડ આશિષ ઉર્ફે પર પોલીસવડાએ ગત એપ્રિલમાં 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. ત્યારથી આશુ ધરપકડથી બચવા સ્થળ બદલતો રહેતો હતો. એપ્રિલ મહિનામાં રાજસ્થાનના જુદાજુદા સ્થળોએ છુપાતો ફરતો આશુ મધ્યપ્રદેશ અને ત્યારબાદ બિહારમાં નાસી છૂટ્યો હતો. પોલીસ વડા વિકાસ સહાયે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બુટલેગરના બેનંબરી આર્થિક વ્યવહારો જાણવા જરૂરી હોવાથી તેમજ તપાસના મૂળ સુધી પહોંચી શકાય તે માટે તમામ કેસોની તપાસ એક જ એજન્સીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃગુજરાતના 25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

Back to top button