લો બોલો, ગુજરાતની સૌથી મોટી ટેકનિકલ યુનિવર્સિટીમાં કાયમી પરીક્ષા નિયામક નથી
- પરીક્ષા વિભાગલક્ષી પ્રશ્નો લાંબા સમયથી હોવા છતાં પરીક્ષા નિયામકની કાયમી નિણૂક નહીં
- એસોસીએશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીકલ ડિપ્લોમા કોલેજીસે માગ ઉઠાવી
- વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા તથા અન્ય ફી મારફતે કરોડો રૂપિયાની ઉઘરાણી થાય છે
લો બોલો, ગુજરાતની સૌથી મોટી ટેકનિકલ યુનિવર્સિટીમાં કાયમી પરીક્ષા નિયામક નથી. GTUમાં પરીક્ષા વિભાગના છબરડા છતાં કાયમી પરીક્ષા નિયામક જ નહીં. તેથી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કોલેજોના સંગઠને આવેદન પાઠવ્યું છે. માર્કશીટમાં ગોટાળા, સમયસર પરિણામ અપાતાં નથી, મોડરેટર નથી, લોલંલોલ ચાલે છે તેવા આરોપ થયા છે. પરીક્ષાની તારીખોની જાહેરાત ટર્મ શરૂ થાય તે પહેલા કરવા એસોસીએશને માગ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત: સામાન્ય દિવસો કરતાં ચોમાસામાં મૃત્યુનું પ્રમાણ બમણું, જાણો કેમ
એસોસીએશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીકલ ડિપ્લોમા કોલેજીસે માગ ઉઠાવી
રાજ્યની સૌથી મોટી ટેકનિકલ યુનિવર્સિટી જીટીયુમાં કાયમી પરીક્ષા નિયામક નથી. તેના કારણે હમણાંથી છબરડાની ભરમાર રહે છે. કોલેજોના પ્રશ્નો ઉકેલાતા નથી. આ અંગે જીટીયુને આવેદન પાઠવીને એસોસીએશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીકલ ડિપ્લોમા કોલેજીસે માગ ઉઠાવી છે. જીટીયુમાં વિદ્યાર્થીઓ અને કોલેજોના પ્રશ્નો જેવા કે સમયસર પરિણામ ન આપવું, પરીક્ષા ટાઈમટેબલમાં વિસંગતતા, વિદ્યાર્થીઓની માર્કશીટમાં છબરડા, પેપર કાઢયા બાદ તેને ચેક કરવા કોઈ મોડરેટરની વ્યવસ્થાનો અભાવ, રિચેકિંગ કે રિએસેસમેન્ટનું સમયસર પરિણામ ન આવતા વિદ્યાર્થીઓનું વર્ષ બગડવું, ફાઈનલ સેમેસ્ટરની ફિઝિકલ માર્કશીટ મોડી આવતા વિદ્યાર્થીઓને વિદેશ આગળ અભ્યાસ માટે જવા એક વર્ષ બગડવું, પરીક્ષા દરમ્યાન ઝોનના અધિકારીઓ દ્વારા કોલેજો સાથે તોછડાઈભર્યો વ્યવહાર, 100થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી કોલેજોનું પરીક્ષા કેન્દ્ર રદ કરી અન્ય કોલેજમાં આપવું, યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર અને સુપરવિઝનનું મહેનતાણું સમયસર ન ચુકવવું, યુનિવર્સિટીમાં કોલેજો દ્વારા કોઈ ફરિયાદ કરવી હોય તો કોઈપણ અધિકારીઓ દ્વારા જવાબ ન આપવા જેવા વિવિધ પ્રશ્નો છેલ્લા ઘણા વર્ષોથી છે.
આ પણ વાંચો: ગુજરાતીઓ વરસાદની મજા માણવા માઉન્ટઆબુ જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો
જીટીયુમાં પરીક્ષા વિભાગલક્ષી પ્રશ્નો લાંબા સમયથી હોવા છતાં પરીક્ષા નિયામકની કાયમી નિણૂક નહીં
એસોસીએશને આક્ષેપ કરતા કહ્યું છે કે જીટીયુમાં પરીક્ષા વિભાગલક્ષી પ્રશ્નો લાંબા સમયથી હોવા છતાં પરીક્ષા નિયામકની કાયમી નિણૂક નહીં કરવા પાછળનું વલણ રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવાનું છે. વિદ્યાર્થીઓ જીટીયુ સંલગ્ન કોલેજના બદલે ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે તેવું વર્તન દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 161 તાલુકામાં મેઘમહેર, જાણો કયા કેટલો પડ્યો વરસાદ
વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા તથા અન્ય ફી મારફતે કરોડો રૂપિયાની ઉઘરાણી
જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા તથા અન્ય ફી મારફતે કરોડો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે. જેથી કોઈ કોલેજમાં વિદ્યાર્થી પાંચ હોય કે 500 પરીક્ષા કેન્દ્ર જે તે કોલેજમાં જ આપવું. બીજે કેન્દ્ર હોય તો વિદ્યાર્થીને ટ્રાવેલ ભથ્થું આપવું. તાત્કાલિક કાયમી પરીક્ષા નિયામકની નિમણૂક કરવી, પરીક્ષા પુરી થયા બાદ એક માસમાં પરિણામ જાહેર કરવું, ફાઈનલ સેમેસ્ટરના પરિણામ બાદ 15 દિવસમાં વિદ્યાર્થીઓને માર્કશીટ મળે તેવી વ્યવસ્થા કરવા, પેપર કાઢયા બાદ મોડરેટરની વ્યવસ્થા કરવી, રિચેકિંગ કે રિએસેસમેન્ટનું પરિણામ સમયસર આપવું, ઝોન દ્વારા કોલેજ સાથે સુમેળભર્યો વ્યવહાર કરવાની વ્યવસ્થા ઉભી કરવી, ટર્મ શરૂ થનાર અને પરીક્ષાની તારીખોની જાહેરાત ટર્મ શરૂ થાય તે પહેલા કરવા એસોસીએશને માગ કરી છે.