ગુજરાત સ્થાપના દિવસના મહિનામા અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધી
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મે મહિનામા ગુજરાતમાં 19 અંગદાન થયા જેણે 58 લોકોને નવજીવન બક્ષ્યું છે. જે ગુજરાતમાં ઇતિહાસમાં અત્યારસુધીનું સૌથી મોટુ અંગદાન છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે ‘વડાપ્રધાનના હસ્તે SOTTO ને મળેલ બહુમાન એ રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિને વેગવંતી બનાવી છે’.
મે મહિનામાં કુલ 19 અંગદાન થયા
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે તેમ મંત્રી ઉમેર્યું હતુ.
એક મહિનામાં મળેલા 58 અંગોમાં આ અંગોનો સમાવેશ
એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની- 34,લીવર – 18,હ્રદય – 3, ફેફસાની અને હાથની એક-એક જોડ, અને નાના આંતરડાનો સમાવેશ થાય છે. મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારના SOTTO એકમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ મળેલ એવોર્ડ થકી રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહન મળ્યું છે. આ બહુમાન એ રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં પ્રાણ ફુંક્યો છે.
આ પણ વાંચો : રાજકોટ : ભાજપ પ્રમુખ દ્વારા શિક્ષણ સમિતિના 15 સભ્યોના નામ જાહેર કરાયા