ગુજરાતની હવા પણ ઝેરી બની, શ્વાસ-અસ્થમાના દર્દીઓ માટે જોખમી
- એર કવોલિટી ઇન્ડેક્સનો આંકડો 150ને વટાવી ગયો
- અમદાવાદીઓને શુદ્ધ હવા મળી શકે તેમ નથી
- હવામાં ઝેરી રકજણોનું પ્રમાણ વધતાં શ્વાસ લેવો મુશ્કેલ
દિલ્હી બાદ હવે ગુજરાતની હવા પણ ઝેરી બની રહી છે. છેલ્લાં ત્રણેક દિવસથી અમદાવાદ શહેરની હવા અશુદ્ધ બની રહી છે. હવામાં ઝેરી રજકણોની માત્રા વધતાં શ્વાસ-અસ્થમાના દર્દીઓ માટે જોખમી વાતાવરણ બની રહ્યું છે.
એર કવોલિટી ઇન્ડેક્સનો આંકડો 150ને વટાવી ગયો
ગુરુવાર 24 જાન્યુઆરી વહેલી સવારે વાયુ પ્રદુષણ એટલી હદે બગડ્યું કે, એર કવોલિટી ઇન્ડેક્સનો આંકડો 150ને વટાવી ગયો હતો. નોંધનીય છે કે, બુધવારે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છેક 173 સુધી પહોંચ્યો હતો. આમ, વાયુ પ્રદૂષણને નાથવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાંય અમદાવાદીઓને શુદ્ધ હવા મળી શકે તેમ નથી.
અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે
ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારની સરખામણીમાં અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જાન્યુઆરી માસમાં જ છેલ્લાં ત્રણેક દિવસથી એર કવોલિટી ઇન્ડેક્સ 150થી વધુ રહ્યો છે. સામાન્ય રીતે PM 2.5 (Particulate Matter 2.5)ની માત્રા 25થી ઓછી હોવી જોઈએ. ગુરુવારે અમદાવાદમાં PM 2.5ની માત્રા વધીને 60 સુધી પહોંચી ગઈ હતી. આ ઉપરાંત હવામાં PM 10નું પ્રમાણ 50થી ઓછું હોય તો શ્રેષ્ઠ ગણાય છે.
હવામાં ઝેરી રકજણોનું પ્રમાણ વધતાં શ્વાસ લેવો મુશ્કેલ
પરંતુ, ગુરુવારે વહેલી સવારે પીએમ 10નું પ્રમાણ 134 સુધી પહોંચ્યું હતું. હવામાં આ ઝેરી રજકણો સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. એર કવોલિટી ઇન્ડેક્સ પણ 50થી ઓછો હોય તો હવા એકદમ શુદ્ધ હોય છે. અમદાવાદમાં કઠવાડા, ચાંદખેડા, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ અને સેટેલાઇટમાં સૌથી વધુ હવા ઝેરી બની હતી કેમકે, આ વિસ્તારોમાં એર કવોલિટી ઇન્ડેક્સ છેક 157થી માંડીને 159 સુધી પહોંચ્યો હતો. હવામાં ઝેરી રકજણોનું પ્રમાણ વધતાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહે છે.
આ પણ વાંચો: ગુજરાત: ધો.10-12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટ્યા