“મહાઠગ આવે છે, ગુજરાતીઓ સાવધાન રહે” સુરતના કડોદરાથી પાટિલના કેજરીવાલ પર પ્રહાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મિશન 182ને પાર પાડવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ એક્ટિવ થઈ ગયા છે. કડોદરા ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટીલે નામ લીધા વિના કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોને મફતની વસ્તુ ખપતી નથી, મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે. મફતની વસ્તુ આપવાથી તમને કોઈ મત આપવાના નથી.
ગુજરાતી હાથ લંબાવે તો આપવા માટે, માગવા નહીં: પાટીલ
વધુમાં પાટીલે જણાવ્યું હતું કે, અહીં જ્યારે ઈલેક્શન આવે છે ત્યારે ચોમાસામાં જેમ દેડતાઓ ડ્રાઉ ડ્રાઉ કરતા આવી જાય એમ કેટલીક પાર્ટીઓના આગેવાનો પણ આવી જતા હોય છે. મફલર પહેરે એટલે દિલ્હીમાં ખબર પડે કે ઠંડી આવે છે અને એ વ્યક્તિ ઠગ નહીં મહાઠગ છે. એ આ રાજ્યની અંદર મફતની ઓફર કરવાનો પ્રયાસ કરે છે. મે તેને જાહેર મંચ પરથી પહેલા પણ કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે, ગુજરાતની પોતાની એક સંસ્કૃતિ છે.ગુજરાત પ્રદેશની એક વિશિષ્ઠતા છે. ગુજરાતીઓની પોતાની પણ વિશિષ્ઠતા છે. ગુજરાતી હાથ લંબાવે તો આપવા માટે લંબાવે, માગવા માટે ક્યારેક હાથ નહીં લંબાવે. મફતનું કશું ખપતું નથી. એને મફતની ઓફર આપવાથી તમને કોઈ મત આપવાના નથી.
કડોદરામાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ
2022ની ચૂંટણી પહેલા ભાજપનાં પ્રદેશ પ્રમુખ પાટીલનો દરેક જિલ્લામાં પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. પ્રત્યેક જિલ્લામાં વન ડે વન ડિસ્ટીક કાર્યક્રમ અંતર્ગત ભાજપનાં પ્રમુખ મુલાકાત કરશે. જેની શરૂઆત તાપી જિલ્લાથી કરવામાં આવી હતી. આજે કડોદરા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પ્રત્યેક જિલ્લામાં પાટીલ 24 કલાકથી માંડી 36 કલાક કાર્યકરો સાથે વિતાવશે. 24 કલાક પ્રત્યેક જિલ્લામાં પ્રથમ પેજ સમિતિ ચિતાર મેળવશે. નબળા બુથ પર એક્ટિવ કામગીરીનું કાર્યકરો સૂચન આપશે. જિલ્લા મુલાકાતમાં પ્રથમ સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય સાથે બેઠક યોજશે.
હારના કારણો જાણીને તે ત્રુટીઓ દૂર કરાશે
મિશન 182ને પાર પાડવા માટે 2017માં ગુમાવેલી બેઠકના હારના કારણો જાણીને તે ત્રુટીઓ દૂર કરવા અંગેની કામગીરી હાથ ધરશે. પ્રત્યેક જિલ્લાના બુથ કેન્દ્રો, શક્તિકેન્ડ્રો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હારેલા પ્રતિનિધિઓ માઇન્સ બુથના મેનેજમેન્ટ અને પેજ કમિટીની રૂપરેખાનો ચિતાર મેળવશે. તમામ હોદેદારો જે પણ ચર્ચા થશે, મીનિટ ટુ મિનિટની નોંધણી કરશે.
182માંથી 182 બેઠકો મેળવવા પ્રયાસ
નોંધ કરેલી મિનિટ ઉપર ભાજપ મનોમંથન કરી અને વર્ષ 2022ની ચૂંટણી રણનીતિ ઘડશે. ભાજપ મનોમંથન આધારે 2022માં 182માંથી 182 બેઠકો મેળવા માટે કેટલા બદલાવ લાવવા તે અંગે રણનીતિ થશે. મુલાકાત બાદ ક્યાં ક્ષેત્રમા બદલાવ લાવવા તે અંગે પણ ભાજપ રણનીતિ ઘડશે. રાજ્યના 33 જિલ્લામાં અને 8 મહાનગરપાલિકામા વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ ભાજપ આપશે.