ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમીડિયાવર્લ્ડ

ગુજરાતી યુવક અમેરિકામાં બની શકે છે CIA ચીફઃ રામ મંદિરના સમર્થનમાં બોલનાર એ કોણ છે જાણો

નવી દિલ્હી, ૮ નવેમ્બર, ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકારમાં તેમના નજીકના સહયોગી ગુજરાતી યુવક કાશ પટેલને મોટી જવાબદારી મળી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ચીફ પદ માટે કાશ પટેલના નામ પર વિચાર કરી રહ્યા છે. આ પદ માટે ટોચના દાવેદાર તરીકે હાલ તો તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની નવી ટીમ બનાવવામાં વ્યસ્ત છે. અહેવાલ અનુસાર કેટલાક અહેવાલો તો એવું પણ કહે છે કે ચૂંટણી જીતતા પહેલા જ ટ્રમ્પે મન બનાવી લીધું હતું કે જો તેઓ જીતશે તો તેઓ તેમની નવી સરકારમાં કાશ પટેલને આ પદની જવાબદારી સોંપશે.

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને હરાવ્યા છે. ટ્રમ્પની સત્તામાં વાપસી ભારતીય મૂળના કાશ પટેલ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે આ સમયે કાશ પટેલના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે. અગાઉના પ્રસંગોએ, તેમણે રામ મંદિર અંગે અમેરિકન મીડિયાના ભારત વિરોધી વલણને સખત ઠપકો આપ્યો છે. કાશ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર સમર્થક માનવામાં આવે છે. કાશ પટેલ ટ્રમ્પની નીતિઓને સતત સમર્થન આપી રહ્યા છે. ટ્રમ્પના નજીકના કહેવાતા કાશ પટેલને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ચીફ બનાવવામાં આવી શકે છે.

કાશ પટેલની વાત કરીએ તો તેમણે અયોધ્યા રામ મંદિરનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. આ સાથે તેમણે રામ મંદિરના અભિષેક દરમિયાન વિદેશી મીડિયા પર હિંદુ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો. હકીકતમાં, વિદેશી મીડિયામાં રામ મંદિર વિવાદ 50 વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આનાથી નારાજ થઈને તેણે મીડિયાના વલણ પર ટિપ્પણી કરી. કાશ પટેલે કહ્યું હતું કે મીડિયા અયોધ્યાના 50 વર્ષ વિશે વાત કરી રહ્યું છે જ્યારે તેઓ ભૂલી રહ્યા છે કે રામ મંદિરનો ઈતિહાસ 500 વર્ષથી વધુ જૂનો છે. તેમણે કહ્યું કે હિંદુ મંદિરને 500 વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને ફરીથી બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાશ પટેલે વિદેશી મીડિયાને ઘેરતા કહ્યું હતું કે મીડિયા આ બાબતને કહેવાનું ટાળી રહ્યું છે જેથી કરીને ભારત અને તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખોટો પ્રચાર કરી શકાય.

ભારતીય-અમેરિકન નેતા કાશ પટેલ એવા લોકોમાં સામેલ છે જેઓ ટ્રમ્પના ખૂબ નજીકના માનવામાં આવે છે. ટ્રમ્પના અગાઉના કાર્યકાળ દરમિયાન તેઓ સંરક્ષણ અને ગુપ્તચર વિભાગમાં ટોચના હોદ્દા પર રહી ચૂક્યા છે અને હવે અમેરિકી ગુપ્તચર સંસ્થા CIAના ડિરેક્ટર પદ માટે પસંદગી માનવામાં આવે છે. તેમને કટ્ટર રિપબ્લિકન સમર્થક માનવામાં આવે છે, જેમણે ચૂંટણીમાં રશિયાની દખલગીરીની તપાસને નકારી કાઢવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રિપબ્લિકન પાર્ટી સત્તામાં આવી ત્યારથી, ઘણા ટ્રમ્પ સમર્થકો CIA ડિરેક્ટર તરીકે કાશ પટેલની નિમણૂકને સમર્થન આપી રહ્યા છે. જો કે, આ પદ માટે સેનેટની મંજૂરીની જરૂર પડશે. જો તેમને મંજૂરી નહીં મળે તો પટેલને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.

જાણો કોણ છે કાશ પટેલ
કાશ પટેલ ડિફેન્સ અને ઇન્ટેલિજન્સ વિભાગ માટે કામ કરી રહ્યા છે. પટેલની કારકિર્દી ટ્રમ્પની રાજકીય કારકિર્દી સાથે જોડાયેલી છે. કાશ પટેલનો જન્મ 1980માં ન્યૂયોર્કના ગોલ્ડન સિટીમાં થયો હતો. તેમના માતા-પિતા ગુજરાતી ભારતીય મૂળના છે. તેણે પેસ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી છે. તેમણે 9 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી અને પછી યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા. 2016ની ચૂંટણીમાં કાશ પટેલને રશિયન દખલગીરી અંગેની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પર કામ કરતી વખતે જ કાશ પટેલ પહેલીવાર ટ્રમ્પની નજરમાં આવ્યા હતા.

આ પણ વાંચો…કેનેડામાં મંદિરો ઉપર હુમલાનો વિરોધ કરતા હિન્દુઓ સામે કેનેડિયન પોલીસની કાર્યવાહી

Back to top button