શરદ પવાર જૂથની પાર્ટીના નવા ચૂંટણી ચિન્હ અંગે વિવાદ


નવી મુંબઈ, 8 ફેબ્રુઆરી : મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથને હવે નવું નામ અને ચૂંટણી ચિન્હ મળી ગયું છે. ચૂંટણી પંચે શરદ પવાર જૂથની પાર્ટી ‘NCP શરદ ચંદ્ર પવાર’ના નવા નામને મંજૂરી આપી હતી. શરદ જૂથનું ચૂંટણી ચિન્હ વૃક્ષ છે, જેના વિશે હવે વિશ્વ હિન્દુ પરિષદે વાંધો ઉઠાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ શરદ જૂથના નવા પક્ષના ચૂંટણી ચિન્હ તરીકે વૃક્ષ સામે વાંધો ઉઠાવ્યો છે. VHPનું કહેવું છે કે વટવૃક્ષ તેમના સંગઠનનું નોંધાયેલ પ્રતીક છે.
ચૂંટણી પંચે નવા નામને આપી હતી મંજૂરી
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે શરદ પવાર જૂથને બુધવારે સાંજ સુધીની મુદત આપી હતી કે તેઓ નવા પક્ષનું નામ અને ચિહ્ન નક્કી કરવા માટે વિકલ્પો સૂચવશે, ત્યારપછી તેઓએ તેમની પાર્ટીના નવા નામ રજૂ કર્યા, જેમાંથી એકની પસંદગી કરવામાં આવી હતી. બાદમાં ચૂંટણી પંચે મંજૂરી આપી હતી.
ચૂંટણી પંચે અજીતના જૂથને અસલી NCP માન્યું
મહત્વનું છે કે, ચૂંટણી પંચે મંગળવારે શરદ પવાર જૂથને ઝટકો આપ્યો અને અજિત જૂથને વાસ્તવિક NCP ગણાવ્યું. પંચે કહ્યું હતું કે તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને, અજીત જૂથ વાસ્તવિક NCP છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી અજિત પવાર જૂથને NCPના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. પંચે તમામ દસ્તાવેજી પુરાવાઓનું વિશ્લેષણ કર્યા બાદ કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે અજીતના જૂથનું પાર્ટી સિવાય પાર્ટી અને સંગઠન પર વર્ચસ્વ છે. તેના ગ્રુપના લોકો પણ વધુ છે. જેના કારણે અજીત જૂથને પાર્ટીનું નામ અને ચિન્હ બંને આપવામાં આવ્યા છે.