તેલુગુ નવલકથાના ગુજરાતી અનુવાદને મળ્યો સાહિત્ય અકાદમી પુરસ્કાર
અમદાવાદ, 12 માર્ચ, 2024: ‘સ્વેચ્છા’ નામે નારીવાદી નવલકથાને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2023ના શ્રેષ્ઠ ગુજરાતી અનુવાદ તરીકે નવાજવામાં આવી છે. ગુજરાતી પુસ્તક અનુવાદ ક્ષેત્ર માટે ગૌરવ સમાન ગણાય એવી ઘટના છે.
કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિવર્ષ મૌલિક સાહિત્ય સર્જન ઉપરાંત વિવિધ ભાષાઓમાં થતા અનુવાદમાંથી જે તે ભાષાના ઉત્તમ અનુવાદને પણ પુરસ્કૃત કરવામાં આવે છે. જે અંતર્ગત આ 2023ના વર્ષ માટે શ્રેષ્ઠ ગુજરાતી અનુવાદના પુસ્તક તરીકે ‘સ્વેચ્છા’ નવલકથાની પસંદગી કરવામાં આવી છે. મૂળ તેલુગુ ભાષાની આ નવલકથા વોલ્ગાના ઉપનામથી ઓળખાતાં લેખિકા પી. લલિતાકુમારીની છે. આ નવલકથાનો ગુજરાતી અનુવાદ મીનલ દવેએ કર્યો છે.
પ્રથમ તેલુગુ નારીવાદી નવલકથા તરીકે પોંખાયેલી ‘સ્વેચ્છા’નો ગુજરાતી અનુવાદ પ્રથમ વખત 2021માં પ્રકાશિત થયો હતો અને ગુજરાતી વાચકો તરફથી ભારે આવકાર મળતાં તેની બીજી આવૃત્તિ પણ થઈ છે.
વર્ષ 2023ના ગુજરાતી અનુવાદના પુરસ્કાર માટેની અંતિમ યાદીમાં કુલ પાંચ પુસ્તક – (1) આંધળો યુગ (અનુવાદઃ અનિરુદ્ધસિંહ ભિખુભા ગોહિલ) મૂળ લેખક ધર્મવીર ભારતીનું હિન્દી નાટક અંધાયુગ, (2) જવાહર ટનલ (અનુવાદઃ પન્ના ત્રિવેદી) મૂળ લેખક અગ્નિશેખરનો કાશ્મીરી ભાષાનો કાવ્યસંગ્રહ, (3) માલગુડી ડેઝ (અનુવાદઃ કાન્તિ પટેલ) મૂળ લેખક આર.કે. નારાયણની એ જ નામની ટૂંકી વાર્તાઓનું પુસ્તક, (4) સ્વેચ્છા (અનુવાદઃ મીનલ દવે) મૂળ લેખક પી. લલિતાકુમારી (વોલ્ગા)ની તેલુગુ નવલકથા તથા (5) લહરોં કે રાજહંસ (અનુવાદઃ રાજેશ્વરી પટેલ) મૂળ લેખક મોહન રાકેશનું એ જ નામનું હિન્દી નાટક.
આ પાંચમાંથી ‘સ્વેચ્છા’ નવલકથાની ઉત્તમ ગુજરાતી અનુવાદ તરીકે પસંદગી કરનાર નિર્ણાયક મંડળમાં કન્વીનર તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા ઉપરાંત ડૉ. દર્શના ઓઝા, ડૉ. પ્રણવ જોશીપુરા તથા શ્રી અશ્વિન ચંદારાણાનો સમાવેશ થતો હતો.