Reelsના રવાડે ગુજરાતીઓ, પોપ્યુલર થવા જીવ જોખમમાં મૂક્યા
રીલ્સ બનાવવાની ઘેલછામાં ગુજરાતના યુવકો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. આ દિવાળીએ એવા જોખમી વીડિયો સામે આવ્યા, જે જોઈને તમે કહેશો કે ગુજરાતનું યુવાધન આખરે કઈ દિશામાં જઈ રહ્યું છે.
આજના યંગસ્ટર્સ માટે સોશિયલ મીડિયા જ મહત્વનું બન્યું છે. સોશિયલ મીડિયા પર પોપ્યુલર બનવા માટે તેઓ ગમે તે હદે જવા તૈયાર થાય છે. દિવાળીના દિવસે ફટાકડા ફોડવા પર અનેકવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. ફટાકડાથી જીવલેણ ઘટના બની શકે છે.
છતાં જુવાનિયાઓ ફટાકડા સાથે ખેલ ખેલે છે. આ દિવાળી સોશિયલ મીડિયા પર ફેમસ થવા કેટલાક યંગસ્ટર્સ જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યાં. વલસાડના એક યુવકે મોઢામાં સળગતુ રોકેટ મૂકીને સ્ટંટ કર્યો હતો.
વલસાડના સિટી પેલેસ વિસ્તારની આ ઘટના છે. સિટી પેલેસ વિસ્તારમાં યુવકના એક સ્ટંટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. યુવકનો મોઢામાં રોકેટ મૂકી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. યુવકે જોખમી રીતે મોઢામાં રોકેટ મૂકીને રોડ પર દોટ મૂકી હતી. યુવકે રોકેટને મોઢામાં જ સળગાવ્યુ હતું. ત્યારે યુવકનો આવો જોખમી વીડિયો વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આવી રીતે સ્ટંટ કરવું એ જોખમ છે. અનેક લોકો જીવના જોખમે અખતરા કરીને રીલ્સ બનાવી રહ્યાં છે. ત્યારે વલસાડ પોલીસે આ યુવકની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, દિવાળીની રાતે જાહેર રોડ પર ફટાકડા ફોડી સિંધુભવન રોડને બાનમા લેનાર 9 યુવકો અમદાવાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ હતું. સરખેજ પોલીસે તમામ યુવકોની ધરપકડ કરી હતી.
જાહેર રોડ પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડી વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. અમદાવાદના સિંધુ ભવન રોડ પર તોફાન મચાવનારા લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. દિવાળીની રાત્રે સ્ટંટ કરનારા તત્વોને પોલીસે સિંધુ ભવન રોડ પર જ કાન પકડીને ઉઠક બેઠક કરાવી હતી. જેથી અન્ય લોકોને સબક મળે.