ગુજરાતી સાહિત્ય જગતે અનમોલ રત્ન ગુમાવ્યું, જાણીતા સર્જક રજનીકુમાર પંડ્યાનું નિધન

અમદાવાદ, 16 માર્ચ 2025: ગુજરાતી સાહિત્ય જગતને ગત રોજ એક મોટી ખોટ પડી. જાણીતા પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
રજનીકુમાર પંડ્યા ગ્રામપત્રકારત્વ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા હતા અને આ માટે તેમને રાજ્ય સરકાર દ્વારા વિશેષ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમને સ્ટેટ્સમૅન ઍવૉર્ડ, ટૂંકી વાર્તા માટે સરોજ પાઠક ઍવૉર્ડ અને ધૂમકેતુ ઍવૉર્ડ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2003માં તેમને કુમાર સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો હતો. તેમની સાહિત્યિક કારકિર્દી દરમિયાન તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પાંચ એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદના એવોર્ડ, પત્રકારત્વમાં ગુજરાત સરકારનો ઉત્તમ એવોર્ડ, હરિ ઓમ આશ્રમ એવોર્ડ, કલકત્તાના સ્ટેટ્સમેન અખબારનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ અને દૈનિક અખબાર સંઘ એવોર્ડ જેવા અનેક સન્માનો મળ્યા હતા.
રજનીકુમાર પંડ્યાનો જન્મ જેતપુરમાં થયો હતો અને તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમની ડિગ્રી મેળવી હતી. તેમનું બાળપણ બીલખામાં વીત્યું હતું, જ્યાં તેમના પિતાજી બીલખા સ્ટેટના સગીર રાજવી વતી કારભાર સંભાળતા હતા. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ, ઢસા અને જેતપુરમાં પૂર્ણ કર્યું હતું. તેમના માતા શિક્ષિત હોવાથી તેમને બાળપણથી જ વાંચન અને લેખનનો શોખ હતો. તેમણે 1959માં બી.કોમ અને ત્યારબાદ 1966માં બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. વ્યવસાયિક રીતે તેમણે 1959થી 1966 સુધી સરકારી ઓડિટર તરીકે અને 1966થી 1989 સુધી બેંક મેનેજર તરીકે સેવાઓ આપી હતી.
તેમણે 1959માં લેખનની શરૂઆત કરી હતી અને ટૂંકી વાર્તામાં તેમની વિશેષ રુચિ રહી હતી. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ખલેલ’ 1977માં પ્રકાશિત થયો હતો. 1980થી તેમણે કટારલેખનની શરૂઆત કરી હતી અને તેમની ‘ઝબકાર’ શ્રેણી ખૂબ જ લોકપ્રિય બની હતી. આ ઉપરાંત, તેમના દૈનિકપત્રોમાં પ્રકાશિત થયેલા લેખો ‘મનબિલોરી’ અને રેખાચિત્રો ‘ગુલમહોર’ પણ વાચકોમાં ખૂબ જ પ્રિય રહ્યા હતા.
1985માં તેમણે નવલકથા લેખન ક્ષેત્રે પ્રવેશ કર્યો અને ‘કોઈ પૂછે તો કહેજો’, ‘ચંદ્રદાહ’, ‘પરભવના પિતરાઈ’ અને ‘કુંતી’ જેવી તેમની નોંધપાત્ર નવલકથાઓએ તેમને અપાર ખ્યાતિ અપાવી હતી. તેમની નવલકથા ‘કુંતી’ પરથી રાષ્ટ્રીય દૂરદર્શન પર હિન્દીમાં ટીવી સિરીયલો પણ બની હતી. તેમની અન્ય મહત્વની નવલકથાઓમાં ‘અવતાર’ અને ‘પુષ્પદાહ’નો સમાવેશ થાય છે. તેમણે ‘હંસ પ્રકાશ’ નામનું જીવનચરિત્ર પણ લખ્યું હતું, જે મલાવીના ઉદ્યોગપતિ હંસરાજ કાલરીયાના જીવન પર આધારિત હતું.
રજનીકુમાર પંડ્યાની ષષ્ઠિપૂર્તિ વખતે તેમના સન્માનમાં ‘રજની કુમાર- આપણા સૌના’ નામનું પુસ્તક પણ પ્રકાશિત થયું હતું. તેમણે 1920માં બંધ પડેલ સામયિક ‘વીસમી સદી’નું ડિજિટલાઇઝેશન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમની સાહિત્યિક કૃતિઓનો હિન્દી, મરાઠી, તમિળ અને જર્મન જેવી અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે, જે તેમની લોકપ્રિયતાનો પુરાવો છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતને એક મોટી ખોટ પડી છે, જે ક્યારેય પુરી નહીં શકાય.
આ પણ વાંચો: WPL 2025: મુંબઈ ઈંડિયન્સ બીજી વાર ચેમ્પિયન્સ બની, દિલ્હી કેપિટલ્સનું ટ્રોફી જીતવાનું સપનું રોળાયું