6606 કરોડ રૂપિયાના ગેઈન બિટકોઇન કૌભાંડમાં ગુજરાતી રોકાણકારોની સંડોવણી


- કૌભાંડમાં ગુજરાતના અંદાજે 5000 રોકાણકારોના નામ બહાર આવ્યા
- છેતરપિંડી તથા સંભવિત આંતરરાષ્ટ્રીય લેવડદેવડનો ખુલાસો થઈ શકે છે
- વિવિધ શહેરોમાં 60થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા
સીબીઆઈએ 6606 કરોડ રૂપિયાના ગેઈન બિટકોઈન કૌભાંડની તપાસ હેઠળ સમગ્ર દેશમાં દરોડા પાડી 23.94 કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી છે. બે દિવસમાં દિલ્હી, મુંબઈ, પૂણે, બેંગાલુરુ, ચંડીગઢ, નાંદેડ, કોલ્હાપુર, મોહાલી, ઝાંસી, હુબલી અને અન્ય શહેરોમાં 60થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
છેતરપિંડી તથા સંભવિત આંતરરાષ્ટ્રીય લેવડદેવડનો ખુલાસો થઈ શકે છે
દરોડા દરમિયાન અનેક હાર્ડવેર ક્રિપ્ટો વોલેટ, 121 દસ્તાવેજ, 34 લેપટોપ/હાર્ડ ડિસ્ક, 12 મોબાઈલ ફોન અને મલ્ટીપલ ઈમેઇલ અને ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપના ડેટા જપ્ત કર્યુ છે. તમામ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને ફોરેન્સિક તપાસને મોકલવામાં આવ્યા છે. જેથી છેતરપિંડી તથા સંભવિત આંતરરાષ્ટ્રીય લેવડદેવડનો ખુલાસો થઈ શકે છે.
કૌભાંડમાં ગુજરાતના અંદાજે 5000 રોકાણકારોના નામ બહાર આવ્યા
સૂત્રોના જણાવ્યાનુસાર, આ કૌભાંડમાં ગુજરાતના અંદાજે 5000 રોકાણકારોના નામ બહાર આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેથી બીજા નામો પણ બહાર આવવાની શક્યતા છે. આ અગાઉ પણ બિનાન્સ સહિતના ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં ગુજરાતના રોકાણકારોના નામ બહાર આવ્યા હતાં. ગુજરાત સહિત દેશભરમાં યંગસ્ટર્સ ક્રિપ્ટો કરન્સીમાં વધારે રોકાણ કરી રહ્યાં છે.
રોકાણકારોને 18 મહિના સુધી દર મહિને 10 ટકા રિટર્નની લાલચ આપી
સીબીઆઈએ ગેઈન બિટકોઈન સ્કેમમાં સંડોવાયેલા ગુજરાતીઓ પૈકી કેટલાકની પૂછપરછ પણ કરી હોવાનું કહેવાય છે. તેમણે કરેલા નાણાકીય વ્યવહારોની માહિતી ઈમેઈલ મારફત એજન્સીએ મેળવી છે. ગેઈન બિટકોઈન સ્કીમ 2015માં અમિત ભારદ્વાજ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને રોકાણકારોને 18 મહિના સુધી દર મહિને 10 ટકા રિટર્નની લાલચ આપવામાં આવી હતી.