ગુજરાતટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ રાજધાની દિલ્હીમાં દર્શાવવામાં આવી, અત્યંત ઉમળકાભર્યો હાઉસફૂલ શો

Text To Speech

દિલ્હી, તા.18 માર્ચ: ઐતિહાસિક વિષયની નવી ગુજરાતી ફિલ્મ ‘કસુંબો‘ રવિવારે પૂર્વ દિલ્હીના V3S મોલ ખાતેના સિનેપોલિસ હૉલમાં પહેલી વાર રજૂ થઈ. ગુજરાતી ફિલ્મ પરંપરામાં અત્યાધુનિક ટેક્નિક સાથે ઉત્તમ કર્ણપ્રિય ગીત-સંગીત અને સચોટ સંવાદોથી મઢેલી ફિલ્મ ‘કસુંબો’ ખૂબ જ ભવ્ય અને કલાત્મક રીતે કચકડે કંડારવામાં આવી છે જેણે દિલ્હીના ગુજરાતીઓનું મન મોહી લીધું.

આ ફિલ્મ ઇતિહાસનાં પાનાંમાં ભુલાઈ ગયેલી સનાતન, શૌર્ય અને બલિદાનની અમર ગાથા હૃદય હચમચાવી નાખે એવાં દૃશ્યોની સાથોસાથ પ્રેમ, સમર્પણ અને ગુજરાતી ભાષા તેમ જ સોરઠી સાંસ્કૃતિક વારસાનો અદભુત સાક્ષાત્કાર કરાવે છે. આ ફિલ્મને માણતાં ગુજરાતી પ્રેક્ષકોએ ફિલ્મની મુક્ત કંઠે પ્રસંશા કરી.

  • ફિલ્મના હીરો રોનક કામદારે ખાસ હાજરી આપી

આ ફિલ્મમાં અમર બારોટનું મુખ્ય પાત્ર ભજવતા કલાકાર રૌનક કામદાર શો દરમિયાન હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આ ફિલ્મઅમર બલિદાન‘ પુસ્તક પર આધારિત છે અને અસંખ્ય વ્યક્તિઓએ આ વિષયમાં ઇતિહાસનું અધ્યયન અને સંશોધન કર્યું છે ત્યાર બાદ કથાવસ્તુ, વાસ્તવિક રજૂઆત અને મનોરંજન વચ્ચે સરખું સંતુલન જાળવીને આ ફિલ્મનું નિર્માણ કરાયું છે.

આ અવસરે દિલ્હીના ગુજરાતી અગ્રણીઓ સર્વશ્રી મહેન્દ્ર ભટ્ટ, નીતિન આચાર્ય, મહેન્દ્ર પટેલ, કિશોર પરમાર, કિશોર ગોહિલ, પંકજ પુરાણી, દીપક પંચાલ, નમ્રતા વઢવાણા, વિપુલ અને પ્રીતિ ડોડીયા અને પરેશ રાણપરા (ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નિયામક) વગેરે હાજર રહ્યાં હતાં.

ભારત ભારતી-ગુજરાતી (દિલ્હી પ્રાંત) અને મારી ભાષા ગુજરાતી મંચ દ્વારા ધ ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટી લિ, ગુજરાત વિહારના સહકાર સાથે આ વિશેષ ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા વિજય પંચાલ, વિજય પટેલ, વિજય દરજી, પુનિત સાંખલા, શૈલેષ ડોડીયા, કરણ શાહ, હેતલ વાળંદ, રાખી રાંકા અને ભાગ્યેન્દ્ર પટેલ તથા અન્યોએ વ્યવસ્થા અને સંયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી. એક યાદગાર ગુજરાતી ઇવેન્ટ તરીકે આ ફિલ્મ શો સવિશેષ બનાવવામાં સિનેપોલિસના મેનેજર રોહિત, અનિતા, પ્રલભ, બોબી પાલ વગેરે તરફથી ખૂબ જ આત્મીય સહકાર મળ્યો હતો.

આ પણ વાંચોઃ બસ્તર, ધ નક્સલ સ્ટોરીઃ રાષ્ટ્રવિરોધીઓની ઓળખ કરાવતી ફિલ્મ

Back to top button