Oscar માટે સિલેક્ટ થયેલી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રિલીઝ
આ વર્ષે Oscar Award સિલેક્ટ થયેલી ફિલ્મોના નામ કન્ફર્મ થઈ ગયા છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ એટલે કે ‘ Chhello Show’ઓસ્કાર માટે સિલેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને 95માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મની શ્રેણીમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. નિર્દેશક પાન નલિનની આ ફિલ્મમાં સૌરાષ્ટ્રમાં રહેતા એક બાળકની વાર્તા પડદા પર બતાવવામાં આવી છે.
બાળકના પિતા ચા વેચે છે. આ તે સમયગાળો હતો, જ્યારે સિનેમા અમુક પસંદગીના સ્થળોએ જ જોવા મળતું હતું. આ જમાનામાં લોકોને સિનેમા વિશે વધારે જાણકારી ન હતી. પહેલી વખત જ્યારે બાળક ફિલ્મ પ્રોજેક્શન રૂમમાં જાય છે, ત્યારે તે ત્યાંની ચમકથી આકર્ષાય છે. પછી બાળક તેના મિત્રો સાથે મળીને પોતાનું 35 મિમીનું પ્રોજેક્ટર બનાવવામાં લાગી જાય છે.
શું છે ફિલ્મની સ્ટોરી ?
ફિલ્મમાં આ 9 વર્ષના બાળકની ઈમાનદારી પણ નિર્દોષ ચહેરા સાથે દર્શાવવામાં આવી છે. તમામ મુશ્કેલીઓ આવવા છતાં પણ બાળક પોતાનું સપનું પૂરું કરવામાં પાછળ પડતું નથી. ફિલ્મ પર નિર્દેશક પાન નલિન કહે છે “ફિલ્મ મારા પોતાના જીવનથી પ્રેરિત છે અને કેવી રીતે સિનેમાએ તેને સુંદર, અપ્રત્યાશિત અને ઉત્થાન રીતે પરિવર્તિત કર્યું છે. મેં તેને મોબાઈલ ફોન, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અથવા ફિલ્મ સ્કૂલના આગમન પહેલાના સમયમાં સેટ કર્યું હતું. પૂર્વી ટાઈમની વાર્તા કહેવાના અને સિનેમેટિક નિર્માણના અજોડ આનંદને દર્શાવે કરે છે. આજે ટ્રેલર સાથે, લોકોને અમારા ‘લાસ્ટ ફિલ્મ શો’ Chhello Showની દુનિયાની ઊંડી ઝલક જોવા મળશે!”
ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરે કહ્યું કે “મને લાસ્ટ ફિલ્મ શોનું ટ્રેલર રિલીઝ કરીને આનંદ થાય છે. નિર્દેશક પાન નલિને સિનેમાના જાદુ અને ચમત્કારને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે. આ ફિલ્મને ઓસ્કાર 2023માં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. રોય કપૂર ફિલ્મ્સ માટે આ એક મહાન સન્માન છે અને ફિલ્મની પ્રામાણિકતા સાથે સાથે સાર્વત્રિક અપીલની માન્યતા છે.
નિર્માતા ધીર મોમાયાએ કહ્યું, “પાન નલિનની મૂળ સ્ટોરી ખૂબ જ આકર્ષક છે. તેનું બાળપણ સમય (ભાવિન રબારી)ની વાર્તા માટે કેનવાસ તરીકે કામ કરે છે, ખૂબ જ મોટા સપનાઓ વાળા છોકરો જે તેના સ્વપ્નને પૂરા કરવા માટે તમામ હદોને પાર કરે છે. આ ફિલ્મને ગ્લોબલ અને ભારતીય દર્શકો સમક્ષ રજૂ કરવા બદલ હું સન્માનિત છું. આશા છે કે તમે ટ્રેલરનો આનંદ લેશો અને 14 ઓક્ટોબરે થિયેટરોમાં મળીશું.”
ફિલ્મમાં ભાવિન રબારી, ઋચા મીના, ભાવેશ શ્રીમાળી, દીપેન રાવલ, રાહુલ કોલી અને વિકાસ બાટા મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રોય કપૂર ફિલ્મ્સ, જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ અને છેલ્લો શો એલએલપી દ્વારા નિર્મિત છે. તે યુએસએમાં સેમ ગોલ્ડવિન ફિલ્મ્સ દ્વારા રજૂ કરવામાં આવશે. રોય કપૂર ફિલ્મ્સ પીવીઆર સિનેમા સાથે ભાગીદારીમાં ભારતમાં ફિલ્મને ડિસ્ટ્રીબ્યુશન કરશે.