અમેરિકામાં ગુજરાતી બિઝનેસમેનની ગોળી મારીને હત્યા, ફાયરીંગ કર્યા બાદ હત્યારાએ આપઘાત કર્યો
નવસારી, 7 ડિસેમ્બર 2023, વિદેશમાં ગુજરાતીઓની હત્યાના બનાવો વધી રહ્યાં છે. તાજેતરમાં જ સગા ભાણીયાએ નાના નાની અને મામાની ગોળી મારીને હત્યા કરી નાંખ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. હવે ફરીવાર અમેરિકામાં વધુ એક યુવાનની હત્યા કરવામાં આવી છે. નવસારીના સત્યેન નાયક નામના યુવક પર એક શખ્સે ફાયરિંગ કર્યું હતું અને બાદમાં પોતે પણ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. મૃતક સત્યમ નાયકનો સમગ્ર પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્થાઈ થયો છે. તેમને પરિવારમાં પત્ની અને બે બાળકો છે. ગુજરાતના નવસારીમાં સત્યેન નાયકના પિતરાઈ ભાઈ હરનીશ નાયક રહે છે.
અસ્થિર મગજનો યુવક મોટેલમાં ઘૂસી ગયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સોનવાડી ગામના 46 વર્ષીય યુવક સત્યેન નાયકની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી યુવકના પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે. નોર્થ કેરોલિનામાં ન્યુ પોર્ટ શહેરમાં હોસ્ટેસ હાઉસ નામથી મોટેલ ચલવતા 46 વર્ષીય સત્યેન નાયકની મોટેલમાં ગઈકાલે સાજે કેલમ નામનો 46 વર્ષીય હોમલેસ યુવાન ઘૂસ્યો હતો. જેને બહાર કાઢવા જતા કથિત અસ્થિર મગજના યુવાને પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢી સત્યેન નાયક પર ફાયરિંગ કરી દીધું હતું. ગળી વાગતાં સત્યેન નાયક મોટેલમાં જ ઢળી પડ્યાં હતાં. હત્યારો યુવક ગોળી મારીને મોટેલના એક રૂમમાં ઘૂસી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તેને બહાર આવવા ઘણું સમજાવ્યો પણ તે બહાર આવ્યો નહોતો. તેણે પોતાની જ પિસ્તોલથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.