ગુજરાત: સાયબર માફિયાને એકાઉન્ટ ભાડે આપી યુવાન કરોડપતિ બન્યો
- અવનીત સરકારની MSME યોજનાનો ગેરલાભ ઉઠાવતો
- કાપોદ્રા પોલીસે સૂત્રધાર સહિત બે આરોપીઓને ઝડપ્યા
- આરોપી સમગ્ર કૌભાંડ એક વર્ષથી કરતો
ગુજરાતના સુરતમાં સાયબર માફિયાને એકાઉન્ટ ભાડે આપી યુવાન કરોડપતિ બન્યો છે. જેમાં 29 બેન્ક કિટ, 07 સીમ સહિત 17.28 લાખની મતા કબજે કરાઇ છે.MSMEના નામે બેન્ક એકાઉન્ટ ખોલી ફિશિંગ ગેંગને સપ્લાયનું કૌભાંડ આચર્યું હતુ. અવનીત ચીટર ટોળકીને 25 હજારથી 2 લાખ સુધીના ભાડામાં એકાઉન્ટ મેનેજ કરી આપતો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: એસજી હાઇવે સ્ટંટકેસમાં ફરાર મુખ્ય આરોપી મનીષ ગોસ્વામી ઝડપાયો
કાપોદ્રા પોલીસે સૂત્રધાર સહિત બે આરોપીઓને ઝડપ્યા
દેશભરમાં લોકો સાથે ફ્રોડ કરતી ફિશિંગ તથા ગેમિંગ એપ ઓપરેટ કરતી ગેંગને લોકો પાસેથી ભાડે બેન્ક એકાઉન્ટ તથા સિમકાર્ડ મેળવી પૂરા પાડવામાં આવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કાપોદ્રા પોલીસે સૂત્રધાર સહિત બેને ઝડપી લેતાં 29 બેન્ક કિટ, 07 સિમ સહિત 17.28 લાખની મતા કબજે કરી હતી. સ્મોલ બિઝનેસ માટે સરકારની MSME યોજનાના ઓનલાઇન કાર્ડ બનાવી તેને આધારે કરંટ બેન્ક એકાઉન્ટ બનાવી ફ્રોડ કરતી ગેંગ્સને આપવામાં આવ્યા હતા. કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરાએ ટીમ સાથે કાપોદ્રા ચાર રસ્તા પાસેથી નંબર વિનાની સ્કોર્પિયો કાર લઇને ઊભેલા કઠોદરાના ઓમ પ્લાઝામાં રહેતા અને સાવરકુંડલાના ભૂવા ગામના વતની અવનીત ભૂપત ઠુમ્મર (ઉં.વ. 21) અને તેના 21 વર્ષીય સાગરીત આયુષ વિપુલ વસોયા (રહે. શક્તિલેક સોસાયટી, નનસાડ, કામરેજ- મૂળ રહે, મોરવાળા ગામ, અમરેલી)ને ઝડપી લીધા હતા.
આરોપી સમગ્ર કૌભાંડ એક વર્ષથી કરતો
પોલીસે બંનેની ઝડતી લેતાં અલગ અલગ વ્યક્તિઓના પાસબુક, ચેકબુક, ડેબિટ કાર્ડ સાથેની 29 બેન્ક કિટ, 07 સિમકાર્ડ, 12 આધાર-પાનકાર્ડ, 10 બનાવટી પેઢી કરાર, 12 રબર સ્ટેમ્પ, 04 બારકોડ સ્કેનર, 01 કેશ કાઉન્ટર મશીન તથા એક નંબર વિનાની સ્કોર્પિયો કાર સહિત 17.28 લાખની મતા કબજે કરી હતી. દેશભરમાં સાઇબર ફ્રોડ અને ગેમિંગ એપ દ્વારા છેતરપિંડી કરતી ફિશિંગ ગેંગને બેન્ક કિટ અને સિમકાર્ડ પૂરા પાડવાના સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ અવનીત ઠુમ્મર છે. અવનીત ચીટર ટોળકીને 25 હજારથી 2 લાખ સુધીના ભાડામાં એકાઉન્ટ મેનેજ કરી આપતો હતો. ઝડપથી અને એક કરોડ વધુની રકમ જમા કરાવી શકાય તે માટે અવનીત સરકારની MSME યોજનાનો ગેરલાભ ઉઠાવતો હતો. આ યોજના હેઠળ સરળતાથી SBI બેન્કમાં કરંટ ખાતું ખૂલી જતું હોવાની સાથે તે વધુ દિવસો માટે સક્રિય રહેતું હોવાથી તેનો દુરુપયોગ થતો હોવાનું બહાર આવતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. સમગ્ર કૌભાંડ તે એક વર્ષથી કરતો હતો. જેમાં એ એકાદ કરોડ રૂપિયા કમાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.