- ગુજરાતમાં સાઇબર ક્રાઇમના કેસમાં સતત વધારો
- દેશના વિવિધ રાજ્યોમાં સાઇબરના 1,968 કેસમાં સજા પડી
- 736 આરોપીઓ સામેનો કેસ પુરવાર થતાં સજા ફટકારવામાં આવી
સાઇબર ગઠિયાઓ સામે ગુજરાત પોલીસનો પનો ટૂંકો પડ્યો છે. તેમજ દેશના વિવિધ રાજ્યોમાં સાઇબરના 1,968 કેસમાં સજા પડી છે. તથા 736 આરોપીઓ સામેનો કેસ પુરવાર થતાં સજા ફટકારવામાં આવી હતી. ગુજરાતમાં સાઇબર ક્રાઇમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, વર્ષ 2019માં 784 સાઇબર ક્રાઈમના ગુના નોંધાયા હતા, એ પછી વર્ષ 2020માં કેસ વધીને 1,283 અને 2021માં 1,536 કેસ નોંધાયા હતા, આમ ત્રણ વર્ષમાં 3,603 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: જુનિયર કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ કરનારને થશે 3થી 10 વર્ષની જેલની સજા
ગુજરાતમાં હજુ એક પણ કેસમાં સજા થઈ નથી
જોકે આ ત્રણ વર્ષના અરસામાં ગુજરાતમાં હજુ એક પણ કેસમાં સજા થઈ નથી, આનાથી વિપરીત દેશમાં ત્રણ વર્ષમાં 1,968 કેસમાં આરોપીઓને સજાના હુકમ થયા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. ગુજરાતમાં સાઇબર ગઠિયાઓ પોતાનો પગપેસારો કરી રહ્યા છે, ઓટીપી જ નહિ પરંતુ કોઈ અજાણી એપ ડાઉનલોડ કરો તેવા કિસ્સામાં પણ બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે, બીજી તરફ ગુજરાત પોલીસની સાઇબર ટીમનો પનો ટૂંકો પડતો હોય તેવી સ્થિતિ છે. મોટા ભાગના કિસ્સામાં નાણાં પરત મળતાં જ નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદથી 62 કરોડનું નુકસાન, સરકાર સહાય આપશે!
736 આરોપીઓ સામેનો કેસ પુરવાર થતાં સજા ફટકારવામાં આવી
છેલ્લે વર્ષ 2021માં ગુજરાતમાં જે 1,536 કેસ નોંધાયા છે તે પૈકી 715 કેસમાં ચાર્જશીટ કરાઈ અને 1,395 આરોપીની ધરપકડ થઈ છે અને તમામ સામે તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે. 2020માં ગુજરાતમાં 1,283 કેસ નોંધાયા હતા, જેમાંથી 475 કેસમાં તપાસ કરીને પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી, આ અરસામાં કુલ 942 આરોપીની ધરપકડ કરી હતી. જેમાંથી 906 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ થઈ છે.
સાયબર ક્રાઈમના સૌથી વધુ 10,303 ગુના તેલંગાણામાં નોંધાયા
વર્ષ 2021ના અરસામાં સૌથી વધુ સાયબર ક્રાઈમના સૌથી વધુ 10,303 ગુના તેલંગાણામાં નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 8,829, કર્ણાટકમાં 8,136, મહારાષ્ટ્રમાં 5562 અને આસામમાં 4,846 સાયબર ક્રાઈમના કેસ પોલીસ ચોપડે રજિસ્ટર્ડ થયા છે. આ અરસામાં દેશમાં કુલ 52,974 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. દેશમાં 2021માં 491 કેસમાં સજા થઈ તેમાં કુલ 736 આરોપીઓ સામેનો કેસ પુરવાર થતાં સજા ફટકારવામાં આવી હતી.