ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ગુજરાતની દીકરીઓનો દેશમાં ડંકોઃવોલીબોલ ચેમ્પિયનશીપમાં ઈતિહાસ સર્જયો

Text To Speech

અમદાવાદઃ વોલીબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ 24મી રાષ્ટ્રીય યુવા વોલીબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે ચેમ્પિયનશીપ જીતીને ઈતિહાસ સર્જયો છે. ગુજરાતની મહિલા ટીમે વોલીબોલ ચેમ્પિયનશીપમાં જીત હાંસલ કરતા જ તેમના માટે ચારે તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને ટીમને અભિનંદન પાઠવ્યા છે તો બિજી તરફ વોલીબોલ એસોસિએશનના પ્રમુખ એન.જી.પટેલે ગુજરાતની દિકરીઓની આ સિદ્ધિને બિરાદાવતા શુભેચ્છાઓ પાઠવી અને સાથે ઈનામની પણ જાહેરાત કરી છે.

વોલીબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ 24મી રાષ્ટ્રીય યુવા વોલીબોલ ચેમ્પિયનશિપ 10થી15 મે દરમિયાન મહારાષ્ટ્રના સાંગલીમાં યોજાઈ હતી. જેમાં ગુજરાતની મહિલા ટીમે વોલીબોલ ચેમ્પિયનશીપમાં કેરળની મહિલા ટીમે 3-0થી હરાવીને બાજી મારી લીધી છે. 24મી રાષ્ટ્રીય યુવા વોલીબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાત, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ પહેલા ટીમનું ટ્રાયલ 20 એપ્રિલે મેજર ધ્યાનચંદ્ર સ્ટેડિયમ ઝાંસીમાં થયુ હતુ. જેમની જન્મ તારીખ 1 જાન્યુઆરી, 2002 અને તે પછીની હતી તે જ ખેલાડીઓએ ટ્રાયલમાં ભાગ લીધો હતો. ટ્રાયલમાં પસંદ કરાયેલા ખેલાડીઓની તાલીમ શિબિર 24 એપ્રિલથી 8 મે દરમિયાન ઝાંસીમાં યોજાઈ હતી. આ પછી પસંદગીની ટીમ 8 મેના રોજ ઝાંસીથી સાંગલી જવા રવાના થઈ હતી. ત્યાર બાદ 24મી રાષ્ટ્રીય યુવા વોલીબોલ ચેમ્પિયનશિપ 10થી15 મે દરમિયાન મહારાષ્ટ્રના સાંગલીમાં યોજાઈ હતી. જેમાં ગુજરાતની મહિલા ટીમે વોલીબોલ ચેમ્પિયનશીપમાં જીત મેળવીને રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ગુજરાતની મહિલા વોલીબોલ ટીમ
રાઠોડ સંધ્યા, સરખડી, તા.કોડિનાર, જિ.ગીરસોમનાથ
ઝાલા મનિષા, નડિયાદ
જૈન ઈશા, વાપી
ચૌધરી અનિશા,નડિયાદ
પ્રજાપતિ નેહા,નડિયાદ
બારડ નીપા,નડિયાદ
ઝાલા પ્રિયંકા,સરખડી, તા.કોડિનાર, જિ.ગીરસોમનાથ
વાળા દિશા,સરખડી, તા.કોડિનાર, જિ.ગીરસોમનાથ
ચાવડા દેવુબાલા,હિમંતનગર,સાબરકાંઠા
વાળા ઉષા,સરખડી, તા.કોડિનાર, જિ.ગીરસોમનાથ
પાંડે મહેક, વાપી
વાળા નિરાલી,સરખડી, તા.કોડિનાર, જિ.ગીરસોમનાથ

ચીફ કોચઃસુરેશ પરમાર
આસિસ્ટન્ટ કોચઃ પરિતા વાળા
ટ્રેનરઃચૌહાણ જલ્પા

મહિલા વોલીબોલ ટીમમાં સોથી વધુ ખેલાડી સરખડીની
ગુજરાતની મહિલા વોલીબોલ ટીમમાં સોથી વધુ ખેલાડી ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાના સરખડી ગામની છે. આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ કોડીનાર તાલુકાનું દરિયા કાંઠાનું ગામ સરખડી આજે લોક જીભે રમતું થયું છે. ગુજરાતનું આ ગામ સરખડી વોલીબોલનું પર્યાય બની ગયું છે. વોલીબોલને કારણે આ ગામના 100થી વધુ પુરૂષો અને મહિલાઓ વિવિધ સરકારી વિભાગોમાં નોકરી કરી રોજગારી મેળવી રહ્યા છે. તો વોલીબોલ આ ગામમાં જીવનનો પર્યાય બની ચૂક્યું છે. આ ગામનાં નાનાં બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો પણ વોલીબોલની રમતને જાણે છે અને વોલીબોલની રમત રમે છે. આજે એક નાનકડા ગામડાની યુવતીઓ પોતાની રમતનાં કારણે વિશ્વ વિખ્યાત બની છે. એટલું જ નહીં વોલીબોલ ચેમ્પિયનશીપ જીતીને ન માત્ર પોતાના ગામ પરંતુ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

દીકરીઓએ ગુજરાતનો ડંકો વગાડ્યો
સૌરાષ્ટ્રનાં સરખડી ગામમાં માત્ર 4,200 જેટલી અંદાજીત વસતિમાંથી પાંચસો જેટલા વોલીબોલ ખેલાડીઓ છે તે આશ્ચર્યજનક છે. વાળાઓના ગામ તરીકે ઓળખાતા આ ગામમાં 1982થી જેવાઈબેન હાઈસ્કૂલના મેદાનમાં પાસિંગ વોલીબોલની શરૂઆત થઈ એ પહેલા શૂટિંગ વોલીબોલ રમાતું હતું. તે સમયે જ ગામમાંથી મહિલા ખેલાડીઓની એક ટીમ રાજ્ય કક્ષાએ પાસિંગ વોલીબોલ રમવા ગઈ ત્યારે ઘાઘરા, શર્ટ, બંગડી અને છડા અને પગમાં સ્લીપર પહેરેલા હતા. આવા ગામઠી વેશ સાથે વૉલિબૉલ રમવા અમદાવાદ આવી હતી. ત્યાંરે પણ એ ચેમ્પિયન બની…!!! જોકે આયોજકોએ કોચને ઠપકો આપ્યો કે, ‘જ્યારે તમે રાજ્યકક્ષાએ રમવા આવો ત્યારે ગણવેશ જરૂરી છે.’ ત્યારથી સૌએ મનમાં ઠાંસી લીધું કે હવે આ ક્ષેત્રે આગળ વધી નામનાં મેળવાની છે અને આજે ગ્રામજનોનું એ સ્વપ્ન સાકાર થયું છે. સરખડી ગામની દિકરીઓએ વોલીબોલ ચેમ્પિયનશીપ જીતીને ન માત્ર ગામ પરંતુ સમગ્ર રાજ્યને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતનો ડંકો વગા઼નારી ગુજરાતની મહિલા વોલીબોલ ટીમને ‘હમ દેખેંગે’ ટીમ વતી પણ અનંત શુભકામનાઓ.

Back to top button