ફોટો સ્ટોરીસ્પોર્ટસ

દિનેશ કાર્તિકની 16 વર્ષના ડેબ્યૂ બાદ T20માં પ્રથમ અર્ધશતક, ધોનીનો રેકોર્ડ તૂટ્યો

Text To Speech

દિનેશ કાર્તિકને દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની હોમ T20 શ્રેણીમાં ફિનિશર તરીકે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. કાર્તિક આ તકનો શાનદાર ઉપયોગ કરી રહ્યો છે. રાજકોટમાં રમાયેલી શ્રેણીની ચોથી T20 મેચમાં 37 વર્ષીય કાર્તિકે નિર્ણાયક સમયે અડધી સદીની ઇનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. આ સાથે દિનેશ કાર્તિક ટી-20માં ફિફ્ટી ફટકારનાર ભારતનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ દરમિયાન તેણે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે દિનેશ કાર્તિકે 27 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની અડધી સદીની ઇનિંગમાં 2 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 200થી વધુ હતો.

દિનેશ કાર્તિકની અડધી સદી એવા સમયે આવી જ્યારે ટીમ ઈન્ડિયા 81 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં દેખાઈ રહી હતી. તેણે શ્રેષ્ઠ ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાના સ્કોરને 20 ઓવરમાં 6 વિકેટે 169 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દિનેશ કાર્તિકની આ પ્રથમ અડધી સદી છે. આ અડધી સદી માટે તેને 16 વર્ષ રાહ જોવી પડી હતી. તેણે 37 વર્ષ અને 16 દિવસની ઉંમરે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેની પ્રથમ અર્ધસદી બનાવી.

આ દરમિયાન દિનેશ કાર્તિકે 36 વર્ષ 229 દિવસની ઉંમરમાં અડધી સદી ફટકારનાર મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. ધોનીએ આ ઈનિંગ વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ધોનીની ટી20 ઈન્ટરનેશનલ કરિયરની આ બીજી ફિફ્ટી હતી.

દિનેશ કાર્તિક છઠ્ઠા અથવા નીચલા ક્રમ પર ઉતરીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા એમએસ ધોનીએ 2018માં સેન્ચુરિયન ખાતે સાઉથ આફ્રિકા સામે 43 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા.

ટી-20માં દક્ષિણ આફ્રિકા સામે રનના મામલે ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં આ જ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને 48 રનથી હરાવ્યું હતું.

Back to top button