પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશને નેતૃત્વ પૂરું પાડશે:રાજયપાલ
રાજકોટ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજકોટ ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા જણાવ્યું છે કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશને નેતૃત્વ પૂરું પાડશે રાજ્યપાલે જણાવ્યું હતું કે ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે રસાયણિક કૃષિના મજબુત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ અપનાવી એ આજના સમયની માંગ છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ ખાતે આત્મા પરિયોજના અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ ના પ્રચાર – પ્રસાર માટે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશની ખાદ્યાન્નની જરૂરિયાતોની પૂર્તિ માટે રાસાયણિક કૃષિ દ્વારા હરિત ક્રાંતિ આવશ્યક હતી. પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24 ટકા જેટલો ફાળો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. આજે રાસાયણિક ખાતર અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થઇ રહ્યા છે, જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટવાથી જમીન બંજર બનતી જાય છે. રાસાયણિક કૃષિમાં સતત વધી રહેલો ખર્ચ અને દિન-પ્રતિદિન ઘટતા ઉત્પાદનથી સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે તેમણે જણાવ્યું હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ સૂક્ષ્મ જીવાણુ મળી રહે છે, એટલું જ નહીં ગૌમુત્ર ખનીજોનો ભંડાર છે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ- ગૌમૃત્ર ઉપરાંત દાળનું બેશન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત જમીન માટે કલ્ચરનું કામ કરે છે અને રાસાયણીક ખાતરના વિકલ્પ સ્વરૂપે આ પ્રાકૃતિક ખાતર જમીનમાં અળશિયાં જેવા મિત્રજીવોની વૃદ્ધિ કરી જમીનને ફળદ્રુપ બનાવે છે રાજ્યપાલે ઉપસ્થિત ખેડૂતોને બીજને સંસ્કારીત કરવા માટે બીજામૃત, પ્રાકૃતિક ખાતર તરીકે જીવામૃત – ઘન જીવામૃતનો ઉપયોગ, જમીનને કૃષિ અવશેષોથી ઢાકવા માટે આચ્છાદન, જમીનમાં હ્યુમસના નિર્માણ માટે વાપ્સા અને મિશ્રપાક જેવા પ્રાકૃતિક કૃષિના મહત્વના પગલા ઉદાહરણ સાથે સમજાવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલે ગુરુકુળ કુરૂક્ષેત્રમાં આવેલી 200 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી થયેલા ફાયદા અને સ્વાનુભવનો પરીચય ખેડૂતોને આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે કૃષિ અવશેષોને સળગાવી પર્યાવરણને દુષિત કરવાને બદલે આવા અવશેષોથી જમીનને ઢાકવા, આચ્છાદન કરવાથી જમીનનું ઊંચા તાપમાન સાથે રક્ષણ મળે છે અને જમીનનો ઓર્ગેનિક કાર્બન હવામાં ઊડી જતો અટકે છે. આચ્છદાનથી જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે અને પાણીની બચત થાય છે એટલું જ નહીં આચ્છાદન ને કારણે નિંદામણની સમસ્યાને અટકાવી શકાય છે.
અળસીયા જેવા મિત્રજીવોને દિવસ દરમ્યાન કામ કરવાનું વાતાવરણ મળે છે પરિણામે જમીનની ફળદ્રુપતા વધે છે.
રાજયપાલે ઓર્ગેનિક એટલે કે જૈવિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિને સાવ અલગ ગણાવી જણાવ્યું હતું કે ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે વિદેશી અળસીયા ભારતીય વાતાવરણમાં કામ કરી શકતા નથી. નિંદામણની સમસ્યાનો હલ થતો નથી. ઓર્ગેનિક કૃષિમાં કૃષિ ખર્ચ પણ ઘટતો નથી જ્યારે પ્રાકૃતિક કૃષિમાં પ્રથમ વર્ષથી જ ઉત્પાદનમાં ઘટાડો થતો નથી. દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે, જળ જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે અને જમીનની ફળદ્રુપતામાં સતત વધારો થાય છે. પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ નહિવત થાય છે અને ઉત્પાદન ઘટતું નથી, જ્યારે સ્વાસ્થ્યપ્રદ કૃષિ ઉત્પાદનોની કિંમત પ્રમાણમાં વધુ મળવાથી સરવાળે ખેડૂતોની આવક વધે છે.
રાજ્યપાલે ખેડૂતો માટે આશીર્વાદરૂપ પ્રાકૃતિક કૃષિને આજના સમયથી માંગ ગણાવી હતી અને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને અન્ય ખેડૂતોને પ્રેરિત કરવા અનુરોધ પણ કર્યો હતો. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ રાજ્યપાલ, સાંસદ અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભવો અને ખેડૂતમિત્રોનું શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ જિલ્લાનાં 8 હજાર ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા છે. જે રાજકોટ જિલ્લા માટે ખૂબ ગર્વની વાત છે. રાજપાલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી હેઠળ જિલ્લાની 9 હજાર હેકટર જમીન આવરી લેવામાં આવી છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે 12,000 ખેડૂત બંધુઓને પ્રેરણા અને માર્ગદર્શન આપીને સાતત્યપૂર્ણ પ્રયાસો કરી રહ્યું છે. સાથો સાથ વહીવટ તંત્ર દ્વારા ગૌશાળાઓને ઘાસચારો પૂરો પાડવામાં આવે છે જેથી ગાય આધારિત ખેતી હેઠળ ખેડૂતોને ખાતર માટે ગૌમૂત્ર અને છાણ પૂરું પાડી શકાય. તેમજ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને વધુ ગુણવત્તા યુક્ત પેદાશો સ્વયં બજારમાં વેચી શકે તેવા આત્મનિર્ભર બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ, ગ્રામ સેવકો સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક કૃષિ આધારિત ઉત્પાદિત થયેલી ખેત પેદાશોના સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે જુદા જુદા સ્ટોલ પર વેચાણ અર્થે રાખેલી પેદાશોનું નિરીક્ષણ કરી રાજ્યપાલશ્રીએ ખેડૂતબંધુઓ સાથે વાર્તાલાપ કરીને પ્રાકૃતિક ખેતી થકી થયેલા ફાયદાઓ વિશે વિગતો મેળવી હતી.આ અવસરે મંચ પર બિરાજમાન મહાનુભવો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજકોટ જિલ્લા 95 ખેડૂતોની પ્રાકૃતિક સાફલ્ય ગાથા પુસ્તકનું વિમોચન કર્યું હતું.