ગુજરાતટોપ ન્યૂઝ

અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છેઃ અમિત શાહ

Text To Speech

પંચમહાલઃ ગોધરા ખાતે પંચમહાલ ડેરી અને જિલ્લા સહકારી બેંકના પાંચ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ. કેન્દ્ર સરકાર સહકારી પ્રવૃત્તિને વેગ મળે એ માટે અનેક પ્રકારના કાયદાકીય સુધારા લાવી રહી છે, વધુ ક્ષેત્રોને જોડાશે. દેશભરની તમામ સહકારી મંડળીનું રૂ. ૬૫૦૦ કરોડના ખર્ચથી કોમ્પ્યુટરાઇઝેશન કરીને નાબાર્ડ સાથે જોડવામાં આવશે.સૌના સાથ સૌના વિકાસનો અને આત્મનિર્ભર ભારતનો મંત્ર આજે સહકારથી સમૃદ્ધિના મંત્ર દ્વારા દૂધ સહકારિતાનો નવો યુગ શરૂ થયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, PM મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં આગામી પાંચ વર્ષમાં સહકારી પ્રવૃત્તિ વ્યાપક થશે. કેન્દ્ર સરકાર સહકારી પ્રવૃત્તિને વેગ મળે એ માટે અનેક પ્રકારના કાયદાકીય સુધારા લાવી રહી છે. દેશના ખેડૂતો અને દૂધઉત્પાદકોનું કલ્યાણ થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય જોગવાઇઓ વધારીને અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ગૃહ અને સહકારિતા મંત્રી શાહે જણાવ્યું કે, PM મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે પશુપાલન વિભાગના બજેટમાં રૂ. ૨ હજાર કરોડની વધારીને રૂ. ૭ હજાર કરોડ કર્યું છે. તેની સાથે દેશની ગાયોના સંવર્ધન અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય ગોકુલમ મિશન ઉપરાંત ઘાચચારા સંયંત્રયણ વિકાસ માટે ૨૫ ટકાની ક્રેડિટ આપવાનો નિર્ણય લીધો છે.

પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.(પંચામૃત ડેરી )ના ૩૦ ઘન મીટર પ્રતિ કલાકની ક્ષમતા વાળા ઓકિસજન પ્લાન્ટ અને તાડવામાં ૪૭૦૦ મેટ્રિક ટનની ક્ષમતાવાળા પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ અને પંચામૃત ડેરી દ્વારા દૈનિક ત્રણ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના મહારાષ્ટ્રમાં નિર્માણ થયેલ માલેગાંવ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ તથા પંચામૃત ડેરી દ્વારા મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં દૈનિક પાંચ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના સ્થાપનાર પ્લાન્ટનું ઈ-ખાતમુહૂર્ત આજે કર્યું હતું. તેમણે પંચામૃત ડેરીના સુવર્ણજયંતી લોગોનું અનાવરણ કરવા સાથે પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નૂતન ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. અમિત શાહે પંચમહાલ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ એ.ટી.એમ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રેષ્ઠ દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને પુરસ્કાર વિતરણ કરવા સાથે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓને પણ એવોર્ડનું વિતરણ કર્યું હતું.અમિત શાહે કહ્યું કે, આગામી સમયમાં દેશમાં સહકારી ક્ષેત્રે ક્રાંતિ આવશે. સહકારી પ્રવૃત્તિમાં અનેક નવા ક્ષેત્રો જોડવા માટે કેન્દ્ર દ્વારા ડેટા બેંક ઉભી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પ્રાયમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી (પેક્સ)ની સંખ્યા ત્રણ ગણી કરવા કાયદાકીય સુધારા પણ વિચારણા હેઠળ છે.

ગુજરાત સહિત સમગ્ર દેશના સહકારી માળખાને રાહત આપે એવા અનેક નિર્ણય PMએ લીધા છે, તેનો ઉલ્લેખ કરતા શાહે ઉમેર્યું કે, સહકારી ખાંડસરી ઉપર ભાવ ફેર અંગે લગાવવામાં આવતો અનોમલી ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે. જેનાથી શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ફાયદો થયો છે. એ જ રીતે સહકારી ક્ષેત્ર પરના સરચાર્જને ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા કરવામાં આવ્યો છે. આ ટેક્સ કોર્પોરેટની સમકક્ષ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સહકારિતા પર ૧૮.૫ ટકા વેટ હતો, તે ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. દેશને ગૌરવ થાય એવી સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં થઇ રહી છે, એમ જણાવતા શાહે કહ્યું કે, વિદેશના મહાનુભવોને અમે એક કહીએ કે ગુજરાતની અમૂલ ડેરી દ્વારા રૂ. ૬૦ હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર થાય છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. આ માત્ર સહકારના માધ્યમથી જ શક્ય બન્યું છે. એક મહત્વપૂર્ણ વાત કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી શાહે જણાવ્યું કે, દેશભરની તમામ સહકારી મંડળીનું રૂ. ૬૫૦૦ કરોડના ખર્ચથી કોમ્પ્યુટરાઇઝેશન કરીને નાબાર્ડ સાથે જોડવામાં આવશે. સહકારી પ્રવૃત્તિ માટે આ કદમ ક્રાંતિકારી સાબિત થશે. PM મોદી સતત સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે. અત્યાર સુધી કેન્દ્રમાં સહકારી પ્રવૃત્તિને અવગણવામાં આવતી હતી. પણ, PMએ કેન્દ્રમાં અલાયદું સહકાર મંત્રાલય બનાવ્યું છે અને તેના બજેટમાં સાત ગણો વધારો કર્યો છે.

એક સમયે પંચમહાલ જિલ્લા સહકારી બેંક બેસી જવાની અણી ઉપર હતી. રિઝર્વ બેંક દ્વારા તેના ઉપર નિયંત્રણો પણ લાદવામાં આવ્યા હતા. તેનો વહીવટ સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા સંભાળવામાં આવ્યો હતો. હું એ વખતે સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર હતો. ત્યારે, અમે નિર્ણય કર્યો હતો કે ગુજરાતની એક પણ જિલ્લા સહકારી બેંકને નબળી પડવા દેવી નથી. તેનું પરિણામે આજે જોવા મળે છે. પંચમહાલ બેંક આજે નફો કરતી થઇ ગઇ છે. પંચમહાલ, દાહોદ અને મહિસાગર જેવા આદિવાસી વિસ્તારોમાં દૂધ ઉત્પાદન પ્રવૃત્તિ અર્થોપાર્જન માટે અગત્યની છે. અનેક આદિવાસી પરિવારો પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેવા સમયે પંચામૃત ડેરી આદિવાસી પરિવારો માટે આર્થિક પવૃત્તિનું કેન્દ્ર બન્યું છે. આ ડેરી પણ તેની સ્થાપનાના ૫૦ વર્ષ મનાવી રહી છે. તેની પ્રવૃત્તિ પણ ગુજરાતની સરહદો ઓળંગી ગઇ છે. આજે તેની સાથે ૧૫૭૮ દૂધ મંડળીઓના ૭૩ હજાર દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. ઉપરાંત, પ્રતિદિન ૧૮ લાખ લિટર દૂધ એકત્રીકરણ કરી રૂ. ૩૦૦ કરોડનું ટર્નઓવર કરતી થઇ છે.

ખેડૂતોને પ્રાકૃતિક અપનાવવાનું આહ્વાન કરતા શાહે કહ્યું કે, રાસાયણિક ખાતરોથી જળ, જમીન અને આરોગ્યને નુકસાન થાય છે. તેથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ દિશામાં એક કદમ આગળ વધતા અમૂલ ડેરીએ ઓર્ગેનિક ઘઉંનો લોટ બજારમાં મૂક્યો છે. તે અન્ય ઉત્પાદનો પણ વેચાણમાં લાવશે. સાથે, અમૂલ ડેરી દ્વારા એક સો જિલ્લામાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોને પ્રમાણિત કરવા લેબોરેટરીની સ્થાપના કરાશે, તેમ તેમણે અંતે કહ્યું હતું.

Back to top button