ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વાવમાં મતદાનઃ મોમેરું ભરાશે કે પાઘડીની લાજ રહેશેનું ભાવિ થશે સીલ

વાવ, તા.13 નવેમ્બર, 2024: વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે. જોકે અમુક મતદાન મથકોને બાદ કરતાં ક્યાંક લાંબી લાઇન જોવા મળી નથી. વાવમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.  કુલ 10 ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર વિધાન સભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી  સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેમણે વાવના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. વાવ વિધાનસભા બેઠક તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ આબરૂના પ્રતિક સમી બની ગઈ છે.

બેટથી ફટકા મારીને મળશે જીત

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ  જોરશોરથી ગામડે-ગામડે જઈને ચૂંટણી પ્રચાર કર્યો હતો. તમામ ઉમેદવારોએ મતદાતાઓને પોતાની તરફ ઝુકવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.  ત્યારે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલે પણ ગામેગામ ચૂંટણી સભાઓ યોજીને  પોતાને મત આપવા અપીલ કરી છે. જોકે માવજી પટેલ આ ચૂંટણીને ચૂંટણી નહીં પણ યુદ્ધ ગણાવ્યું હતો. પોતાના નિશાન બેટથી ફટકા મારી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. માવજી પટેલે પાટીલનો પાવર ઉતારવાનો છે તેવું નિવેદન આપતાં વાવના રાજકારણમાં અચાનક ગરમાવો આવ્યો હતો અને ભાજપે પ્રચાર માટે આખી ફોજ ઉતારી દીધી હતી.

ગેનીબેને કહ્યું વાવ હંમેશા મારો ગઢ

વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકારે પણ ગુલાબસિંહ રાજપૂત માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે પ્રચાર દરમિયાન કહ્યું હતું કે વાવ હંમેશા મારો ગઢ રહ્યો છે. આ વિસ્તાર કૌટુંબિક અને પરિવાર છે એટલે આ વખતે ગુલાબસિંહને જીતાડશે. 2022 માં ચૌધરી સમાજે 90 થી 100 ટકા વોટ ભાજપને આપ્યા હતા. આ વખતે કોને વોટ આપશે એ એમનો વિષય છે.

પાઘડીની લાજ તમે રાખશો

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પણ ખૂબ જોરશોરથી પ્રચાર કર્યો હતો.  જાહેર સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, તમે જે મને પાઘડી પહેરાવી છે, તે પાઘડીની લાજ તમે રાખશો તો 13 તારીખે મતદાન છે, ત્યારે હું તમને કહેવા માંગુ છું કે, આ ચૂંટણી હું નથી લડતો. આ ચૂંટણી સમાજ લડશે. આ ચૂંટણી સમાજના વિકાસ માટે સમાજે ઉપાડવાની છે. આ દરમિયાન સ્વરૂપજી ઠાકોરે પોતાની પાઘડી ઉતારી દીધી હતી. પાઘડી ઉતારી સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, હું પાઘડી ઉતારીને વિનંતી કરૂ છું કે, આ પાઘડીની લાજ તમારે રાખવાની છે.


આ પણ વાંચોઃ ઝારખંડમાં પ્રથમ તબક્કાની 43 સીટો પર મતદાનનો પ્રારંભ, વહેલી સવારથી મતદારોએ લગાવી લાઈન

Back to top button