ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષોથી ખાલી પડેલી ઓફિસરોની જગ્યાઓ ભરવા અંતે જાહેરાત કરવામા આવી છે અને આ સાથે વિવિધ વિભાગોમાં વિષયોની ૪૭ ટીચિંગ પોસ્ટ પણ ભરવામાં આવનાર છે. જે અંગે આવનારા દિવસોમાં ફોર્મ ભરાવવાના શરૂ થવાના છે.
કઈ કઈ પોસ્ટ માટે કરાશે ભરતી ?
ગુજરાત યુનિ.માં ચીફ એકાઉન્ટન્ટ, એન્જિનિયર, લાઈબ્રેરિયન તેમજ પ્રેસ મેનેજર સહિતની ઓફિસર લેવલની અનેક જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે. ત્યારે ગુજરાત યુનિ.દ્વારા વધુ એક વાર આ જગ્યાઓ ભરવા જાહેરાત આપવામા આવી છે. ગુજરાત યુનિ.દ્વારા કુલ ૨૬ કેટેગરીમાં ૧૧૮ જેટલી નોન ટીચિંગ જગ્યાઓ ભરવામા આવનાર છે. જેમાં ઓફિસર લેવલની ૧૫ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ જગ્યાઓમાં કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ ડિરેકટર, પ્રિન્સિપલ સાયન્ટિફિક ઓફિસર, ફીઝિકલ એજ્યુકેશન ડિરેકટર, પ્રેસ મેનેજર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, સીનિયર સાયન્ટિફિક ઓફિસર, સીસ્ટમ એન્જિનિયર, પ્રોગ્રામર, સીસ્ટમ એનાલીસ્ટ, યુનિવર્સિટી એન્જિનિયર, મેડિકલ ઓફિસર અને લાઈબ્રેરિયની જગ્યાઓ છે. આ ઉપરાંત કમ્પ્યુટર ઓફરેટર, ટેકનિકલ આસિસ્ટન્ટ, ડેપ્યુટી એન્જિનિયર અને સીનિયર આસિસ્ટન્ટની એક-એક જગ્યા અને જુનિયર કલાર્કની ૯૨ જગ્યાઓ માટે ભરતી થશે. આ વહિવટી જગ્યાઓ ઉપરાંત યુનિ.દ્વારા ૪૭ ટીચિંગ એટલે કે શૈક્ષણિક જગ્યાઓ ભરવા પણ જાહેરાત કરવામા આવી છે. જેમાં પ્રથમવાર ભરવામા આવતી વિવિધ ૧૮ વિષયોની અધ્યાપકો માટેની જગ્યાઓ છે. આ જગ્યાઓમાં ૩ પ્રોફેસર, ૯ એસો. પ્રોફેસર અને ૧૧ આસિ.પ્રોફેસરની અનામત અને ઓપન કેટેગરીની જગ્યાઓ છે. અગાઉ પ્રક્રિયા કરાઈ હોઈ પણ ખાલી રહેલી હોય અને બીજીવાર ભરવામાં આવતી હોય તેવી વિવિધ સાત વિષયની ૭ ટીચિંગ પોસ્ટ છે. જેમાં સાતેય આસિ.પ્રોફેસરની જગ્યા છે. આ ઉપરાંત બેકલોગમાં ખાલી હોય તેવી ૧૪ વિષયની જગ્યાઓ ભરાશે. જેમાં એક પ્રોફેસર, ૧૧ એસો.પ્રોફેસર અને પાંચ આસિ. પ્રોફેસરની વિવિધ કેટેગરીની જગ્યા છે.