અમદાવાદ, 19 માર્ચ, 2024, ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટનામાં ગામ્બિયા દેશનું ડેલિગેશન યુનિવર્સિટી હોસ્ટેલની મુલાકાત માટે પહોંચ્યું હતું. આ ઘટનાના બીજા દિવસે રવિવારે વિદેશી વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓએ વીડિયો-કોન્ફરન્સથી યુનાઈટેડ નેશન્સમાં બનાવ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ ગામ્બિયા દેશના DCM, ફર્સ્ટ સેક્રેટરી અને વિદ્યાર્થી પ્રતિનિધિ ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની મુલાકાત લઈ તેમની સાથે ચર્ચા કરીને સલામતીની ખાતરી કરી હતી. આ ટીમને સંતોષ થયો છે. ટીમે કુલપતિને જણાવ્યું કે, અમને તમારી કાર્યવાહીથી સંતોષ છે. એમને ખાતરી મળી છે કે વિદ્યાર્થીઓ સલામત છે.
વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારી અને તોડફોડ મુદ્દે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ છે. આજે ગામ્બિયા દેશનું હાઈ કમિશન ગુજરાત યુનિવર્સિટી પહોચ્યું હતું. તેમણે પોતાના દેશના વિદ્યાર્થીઓ સાથે બેઠક કર્યા બાદ કુલપતિ સાથે બેઠક કરી હતી. ગામ્બિયા દેશના 26 વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારી બાદ હવે અન્ય દેશોએ આ મામલે નોંધ લીધી છે. ગામ્બિયા હાઈ કમિશને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મળ્યા બાદ કુલપતિ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 4 સભ્યની ટીમ અને કુલપતિ વચ્ચે બેઠક ચાલી હતી.
વિદ્યાર્થીઓને NRI હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા
ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં A બ્લોકમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટનામાં વિદ્યાર્થીઓને NRI હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે. NRI હોસ્ટેલમાં પ્રવેશ અગાઉ જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. જેનું વિદ્યાર્થીઓએ ચુસ્તપણે પાલન કરવું પડશે. વિદ્યાર્થીઓએ નિયમ વાંચીને હોસ્ટેલમાં એડમિશન લેતા અગાઉ જ ફોર્મ ભરવાનું રહશે. વિદ્યાર્થીઓને તમામ શરતો મંજૂર છે તેમાં પણ સહી કરવાની રહશે.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દારૂ, ડ્રગ્સ જેવા નશાકારક દ્રવ્યોનું સેવન કરી શકશે નહિ.વિદ્યાર્થીઓ પ્રતિબંધિત વસ્તુઓ કે કોઈ મહેમાનને રૂમમાં રાખી શકશે નહિ.કોઈ પણ પ્રોગ્રામ કે ઉજવણી હોસ્ટેલની પરવાનગી વિના કરી શકાશે નહી.
આ પણ વાંચોઃગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના મારામારી કેસમાં 5 આરોપી ધરપકડ, 3ના રિમાન્ડ મંજૂર