અમદાવાદગુજરાત

ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસ: તમામ આરોપીઓને કોર્ટે શરતી જામીન આપ્યા

અમદાવાદ, 20 માર્ચ 2024, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ પઢવા બાબતે સ્થાનિક સંગઠન અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં સ્થાનિક સંગઠનના કેટલાક યુવાનોએ વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. જે સંદર્ભે ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં મથકે ફરિયાદ દાખલ થઈ હતી.આ કેસમાં પોલીસે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આ 5 આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થતાં મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ રીમાન્ડની માંગ કરી નહોતી. જ્યારે આરોપીઓ તરફે જામીન અરજી મૂકવામાં આવી હતી.

આરોપીઓએ પોલીસને તપાસમાં સહકાર આપ્યો
બચાવ પક્ષે કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે FIRમા આરોપીઓનું નામ નથી. ફરિયાદ ટોળા સામે થઈ છે. આરોપીઓએ પોલીસને તપાસમાં સહકાર આપ્યો છે. વધુ તપાસ માટે હવે આરોપીઓની જરૂર નથી. હુમલો પણ હોસ્ટેલ આસપાસના પત્થર અને ડંડા વડે કરાયો હતો. આ કોઈ પૂર્વ આયોજિત કાવતરું નહોતું. મેટ્રો કોર્ટે 15 હજારના જામીન આપ્યા હતા. જેમા પોલીસ મથકે હાજરી, ભારત છોડીને જવું નહિ, પોલીસને ઘરનું એડ્રેસ આપવુ વગેરે શરતો મૂકવામાં આવી હતી.આરોપીઓમાં વસ્ત્રાપુરના 44 વર્ષીય ભરત પટેલ, મેમનગરના સાહિલ દુધકિયા અને સોલાના 29 વર્ષીય હિતેશ મેવાડા, નારણપુરાના ક્ષિતિજ પાંડે, અને ઘાટલોડિયા જીતેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારી અને તોડફોડ મુદ્દે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ છે. ગઈકાલે ગામ્બિયા દેશનું હાઈ કમિશન ગુજરાત યુનિવર્સિટી પહોચ્યું હતું. તેમણે પોતાના દેશના વિદ્યાર્થીઓ સાથે બેઠક કર્યા બાદ કુલપતિ સાથે બેઠક કરી હતી. ગામ્બિયા દેશના 26 વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારી બાદ હવે અન્ય દેશોએ આ મામલે નોંધ લીધી છે. ગામ્બિયા હાઈ કમિશને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મળ્યા બાદ કુલપતિ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 4 સભ્યની ટીમ અને કુલપતિ વચ્ચે બેઠક ચાલી હતી.

વિદ્યાર્થીઓને NRI હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા
ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં A બ્લોકમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટનામાં વિદ્યાર્થીઓને NRI હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે. NRI હોસ્ટેલમાં પ્રવેશ અગાઉ જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. જેનું વિદ્યાર્થીઓએ ચુસ્તપણે પાલન કરવું પડશે. વિદ્યાર્થીઓએ નિયમ વાંચીને હોસ્ટેલમાં એડમિશન લેતા અગાઉ જ ફોર્મ ભરવાનું રહશે. વિદ્યાર્થીઓને તમામ શરતો મંજૂર છે તેમાં પણ સહી કરવાની રહશે.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દારૂ, ડ્રગ્સ જેવા નશાકારક દ્રવ્યોનું સેવન કરી શકશે નહિ.વિદ્યાર્થીઓ પ્રતિબંધિત વસ્તુઓ કે કોઈ મહેમાનને રૂમમાં રાખી શકશે નહિ.કોઈ પણ પ્રોગ્રામ કે ઉજવણી હોસ્ટેલની પરવાનગી વિના કરી શકાશે નહી.

આ પણ વાંચોઃગુજરાત યુનિવર્સિટી મારામારી કેસઃ ગામ્બિયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાતે પહોંચ્યું

Back to top button