

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે હતા. તેમણે સવારે 10 વાગે રાજકોટમાં આટકોટ ખાતે નવનિર્મિત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે.ડી.પી.નું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સાંજે 4 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે, તેમણે ‘સહકાર થી સમૃદ્ધિ’ સેમિનારમાં સંબોધન કર્યું હતું. તેમજ સાંજે ગાંધીનગર ખાતેથી ઈફ્કોના નેનો યુરિયા પ્લાન્ટના ડિજિટલ લોન્ચિંગ પણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના નેતાઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે સંબોધન બાદ પ્રધાનમંત્રી સ્ટેજ પરથી ઉતરીને સહકારી સંસ્થાઓને પ્રતિનિધિઓને મળતા સમયે હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સેલ્ફી લેવા માટે પ્રતિનિધિઓ પડાપડી કરતા જોવા મળ્યા હતા.