ગુજરાત: 8 મહિનામાં 50ને ફાંસીની સજા
ગુજરાતની ટ્રાયલ કોર્ટોએ આ વર્ષે આઠ મહિનામાં 11 કેસોમાં 50 વ્યક્તિઓને ફાંસીની સજા ફટકારી છે, જે 1960માં રાજ્યની રચના પછી કોઈ પણ વર્ષમાં સૌથી વધુ છે. કોર્ટના દસ્તાવેજો મુજબ 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસનાં 38 દોષિતોને ફેબ્રુઆરીમાં વિશેષ અદાલતે ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. ફાંસીની સજા પામેલા બાકીના દોષિતોમાં બળાત્કાર અને ખૂનનાં ગુનાઓ આચરનારાઓનો સમાવેશ થાય છે. જેમાં ભોગ બનેલી યુવતીઓ સગીર વયની હતી. ગુજરાતમાં આ વર્ષે મૃત્યુદંડની સજાનો આંકડો પાછલા 15 વર્ષમાં રાજ્યની વિવિધ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ફાંસીની સજા જેટલો છે. 2022 સુધીનાં આંકડા જોઇએ તો 2011માં સૌથી વધુ 13 દોષિતોને ફાંસીની સજા ફટકારાઇ હતી, જ્યારે 2002ના ગોધરા ટ્રેન હત્યાકાંડના મોટાભાગના દોષિતોને ફાંસીની સજા મળી હતી.
2006 થી 2021 ની વચ્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા પામેલા 50 વ્યક્તિઓમાંથી, હાઈકોર્ટે ચારના કેસોમાં આ સજાને માન્ય રાખી છે.
ડિસેમ્બર 2019માં, હાઇકોર્ટે ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં સુરતના અનિલ યાદવને ફાંસીની સજાને બહાલ રાખી હતી. 2002ના અક્ષરધામ મંદિર હુમલા કેસમાં 2010માં હાઇકોર્ટે આદમ અજમેરી, મુફરી અબ્દુલ કાયુમ મન્સુરી અને શનમિયા ઉર્ફે ચાંદ ખાનની ફાંસીની સજાને યથાવત રાખી હતી. જો કે આ ત્રણેયને સુપ્રીમ કોર્ટે 2014માં નિર્દોષ જાહેર કર્યા હતા.
ફાંસીની સજા અંગે અમદાવાદના ભૂતપૂર્વ પ્રિન્સિપલ સેશન્સ જજ જ્યોત્સના યાજ્ઞિકે જણાવ્યું હતું કે, આ એક ચોક્કસ ન્યાયાધીશનો વ્યક્તિગત પરિપ્રેક્ષ્ય છે. જો ન્યાયાધીશ એવા નિષ્કર્ષ પર આવે કે ગુનો ભયંકર છે અને સમાજને સંદેશો મળવો જોઈએ, તો તેઓ મૃત્યુદંડની સજા આપશે.