ગુજરાત રાજ્ય રવિવાર, મે 1, 2022ના રોજ તેની રચનાને 62 વર્ષ પૂર્ણ કરશે. ગુજરાત ટાઇટન્સ ટીમ રવિવારે તેમની હોટલમાં પરંપરા પ્રેરિત ઉજવણી સાથે આ શુભ અવસરને ચિહ્નિત કરશે. આ ઉજવણી ગુજરાત રાજ્ય અને તેના લોકો માટે આદરની નિશાની છે.
“ભારતની આઝાદી પછીની વિકાસગાથામાં ગુજરાત કેન્દ્ર સ્થાને રહ્યું છે. ક્રિકેટ ક્ષેત્ર તરીકે, તેણે કેટલાક પ્રતિષ્ઠિત ખેલાડીઓ આપવાનું ચાલુ રાખ્યું છે જેમણે ઉચ્ચ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. અમે ખૂબ જ ઉત્સાહ અને ગર્વ સાથે ગુજરાત દિવસની ઉજવણી કરીશું,” એમ ગુજરાત ટાઇટન્સના સીઓઓ અરવિંદર સિંઘે જણાવ્યું હતું.
રવિવારે સાંજે, ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ અને સહાયક સ્ટાફ તેમની ટીમ હોટલમાં સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન માણવા માટે એકત્ર થશે. આ ઉજવણીમાં કેપ્ટન હાર્દિક પંડ્યા અને વાઇસ-કેપ્ટન રાશિદ ખાનની આગેવાની હેઠળની ટીમો દ્વારા ત્રણ મેચો પણ રમાશે. ચાહકો ઈવેન્ટ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર તેમના ગુજરાતી અવતારમાં ખેલાડીઓની કેટલીક ઝલક જોઈ શકે છે.
“ગુજરાત દિવસ ખૂબ જ ખાસ પ્રસંગ છે અને હું મારા સાથી ખેલાડીઓ સાથે આ ઉજવણી કરવા ઉત્સુક છું. વર્તમાન પરિસ્થિતિને કારણે અમે અમારા હોમ ગ્રાઉન્ડ પર રમી શકતા નથી પરંતુ ગુજરાત દિવસની ઉજવણી કરીને અમે ઘરની નજીક હોવાનો અનુભવ કરવા માંગીએ છીએ. હું દરેકને ગુજરાત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું,” એમ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું હતું.
IPL 2022માં ગુજરાત ટાઇટન્સનું શાનદાર પ્રદર્શન રહ્યું છે
ગુજરાત ટાઇટન્સે IPL-2022માં જોરદાર પ્રદર્શન કર્યુ છે. અત્યાર સુધી રમેલી આઠમાંથી સાત મેચ જીતી છે. તેમની લાઇન-અપમાં સંપૂર્ણ સુપરસ્ટાર ખેલાડીઓ નથી પરંતુ યુટિલિટી T20 ખેલાડીઓ ટીમ માટે કામ કરી રહ્યા છે. ટાઇટન્સ શાનદાર બોલિંગ આક્રમણ પણ કરે છે જે તેમને વિપક્ષી બેટ્સમેનોને રોકવામાં ખૂબ મદદ કરે છે. બેટથી પણ ગુજરાત ટાઈટન્સ મજબૂત દેખાવ કરી રહી છે અને દરેક રમતમાં એક નવો મેચ-વિનર ઉભરી રહ્યો છે જે ટીમને છેલ્લી ઓવરમાં ઘણી વખત જીત અપાવવામાં મદદ કરે છે.