ગુજરાત: યુવાનને બેંક ટ્રાન્જેક્શનમાં કમિશનની લાલચ ભારે પડી
- મહેશે પોતાના આઇડી પ્રૂફ્સ-ફોટા ભૂમિતને આપ્યા હતા
- ગોધરા સાયબર સેલની ટીમ મહેશના ઘરે પહોંચી હતી
- ભૂમિત પકડાયા બાદ પડદા પાછળના ખેલાડીઓના નામ બહાર આવશે
ગુજરાતના અમરોલીમાં રહેતા એક્સ-રે ટેક્નિશિયનના નામે બેંક એકાઉન્ટ ખોલાવી રૂપિયા 87.87 લાખનું ટ્રાન્જેક્શન કરવાના કેસમાં વરાછા પોલીસે પુણાના વેપારીની ધરપકડ કરી હતી. 2 ટકા કમિશનની લાલચમાં ત્રાહિતના નામે ખાતું ખોલાવી વેચી દીધું હતું. મળતી વિગતો પ્રમાણે અમરોલીમાં લક્ષ્મી પેલેસ ખાતે રહેતા મહેશભાઇ ગિરીશભાઇ મકવાણા ખાનગી હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ટેક્નિશિયન તરીકે જોબ કરે છે.
આ પણ વાંચો: ગાંધીનગર RTOમાંથી ઝડપાયેલ નકલી આર્મી જવાનના લાયસન્સ કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો
મહેશે પોતાના આઇડી પ્રૂફ્સ-ફોટા ભૂમિતને આપ્યા હતા
વર્ષ 2019માં તેની સાથે હોસ્પિટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરતા ભૂમિત માવાણી સાથે તેની મિત્રતા હતી. ગત જાન્યુઆરી 2022માં ભૂમિતે કોલ કરી જણાવ્યું કે, જીએસટીના લોચાને કારણે મારું બેંક એકાઉન્ટ સીઝ કરી દેવાયું છે અને હાલમાં ટ્રાન્જેક્શન માટે બેંક એકાઉન્ટ જોઇએ છે એવી વાત કરી હતી. જેથી મહેશે પોતાના આઇડી પ્રૂફ્સ-ફોટા ભૂમિતને આપ્યા હતા. ભૂમિત અને ચંદ્રેશ કાકડિયાએ એચડીએફસી બેંકની લંબે હનુમાન શાખામાં મહેશના નામે સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ: ગાડી ચોરી થઇ અને પોલીસ ફરિયાદ મોડી થતા વીમા કંપનીએ હાથ ખંખેર્યા
ગોધરા સાયબર સેલની ટીમ મહેશના ઘરે પહોંચી હતી
દરમિયાન ગત તા. 28-3-23ના રોજ ગોધરા સાયબર સેલની ટીમ મહેશના ઘરે પહોંચી હતી. મહેશના બેંક એકાઉન્ટમાં ફ્રોડનાં નાણાં જમા થયા હોવાની વાત કરી નિવેદન માટે તેને ગોધરા બોલાવ્યો હતો. ભૂમિત અને ચંદ્રેશને વાત કરી તો તેઓએ વકીલને મળી સેટિંગ કરી ખાતું બંધ કરાવી દઇશું એવો જવાબ આપ્યો હતો. ત્યારબાદ શંકાના આધારે બેંકમાં તપાસ કરતા 14-3-22થી 8-2-23ના સમયગાળામાં 87.87 લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં આર્થિક હિતો માટે રોલા પાડતો વધુ એક ‘કિરણ પટેલ’નો ભાંડો ફુટયો
ભૂમિત પકડાયા બાદ આ કેસમાં પડદા પાછળના ખેલાડીઓના નામ બહાર આવશે
ચીટિંગનો અહેસાસ થતા મહેશ મકવાણાએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ભૂમિત શિવા માવાણી અને ચંદ્રેશ કાકડિયા સામે ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં ગતરોજ ચંદ્રેશ દયાળ કાકડિયા (ઉં.વ. 27, રહે. સીતાનગર સોસાયટી, પુણા રોડ- મૂળ લીલીયા, અમરેલી)ની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ભૂમિત અને ચંદ્રેશે કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ વેચ્યા હતા. કુલ ટ્રાન્જેક્શનના 2 ટકા તેઓને કમિશન મળવાનું હતું. ભૂમિત પકડાયા બાદ આ કેસમાં પડદા પાછળના ખેલાડીઓના નામ બહાર આવશે.