ગુજરાત: “દાદા” સરકારના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસીઓની ભાગીદારી વધી, જાણો કઇ રીતે
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસીઓની ભાગીદારી વધી છે. જેમાં નવા 16 મંત્રી બન્યા તેમાંથી 4 મંત્રી મૂળ કોંગ્રેસના પાટલી બદલુ છે. તેમજ 156માંથી 18 એટલે કે 11 ટકા કોંગ્રેસી જીત્યા, તેમાંથી 22 ટકાને મંત્રીપદની લોટરી લાગી છે. તથા ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસીઓની ભાગીદારી 25 ટકા છે.
આ પણ વાંચો: 2023 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નહી યોજાય, જાણો શું છે કારણ
જીતેલા પક્ષપલ્ટુઓ પૈકી મંત્રીમંડળમાં 22 ટકાને સ્થાન
ભાજપને મળેલી 156 બેઠકમાંથી 22 કોંગ્રેસી પક્ષપલ્ટુઓ જીત્યા છે. આ 22 પૈકી 18 મૂળ કોંગ્રેસી ભાજપમાંથી ચૂંટણી જીત્યા હતા. જ્યારે અશ્વિન કોટવાલ, હર્ષદ રબડિયા, જવાહર ચાવડા અને મણિલાલ વાઘેલા એમ કુલ ચાર હાર્યા છે. એક રીતે ભાજપની 156 સીટની વાત કરીએ તો 11 ટકા મૂળ કોંગ્રેસી ચૂંટણી જીત્યા છે જ્યારે આ જીતેલા પક્ષપલ્ટુઓ પૈકી મંત્રીમંડળમાં 22 ટકાને સ્થાન મળ્યું છે.
આ પણ વાંચો: અમરેલી: હોસ્પિટલની ઘોર બેદરકારી, મોતિયાના ઓપરેશન બાદ 15 જેટલા દર્દીઓએ આંખની રોશની ગુમાવી
કોંગ્રેસના પક્ષપલ્ટુ બળવંતસિંહને ભાજપે ઈનામ રૂપે પહેલી વાર મંત્રી પદની ભેટ ધરી
ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં કુલ 8 કેબિનેટ મંત્રી સામેલ કરાયા છે, આ 8 પૈકી 3 તો મૂળ કોંગ્રેસી પક્ષપલ્ટુ કેબિનેટ મંત્રી બન્યા છે, જેમાં બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા અને રાઘવજી પટેલ સામેલ છે. બળવંતસિંહે 2017ની રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસ સામે બળવો કર્યો હતો, આવી જ ભૂમિકા પાટલીબદલુ રાઘવજી પટેલની રહી હતી, કોંગ્રેસના પક્ષપલ્ટુ બળવંતસિંહને ભાજપે ઈનામ રૂપે પહેલી વાર મંત્રી પદની ભેટ ધરી છે. કુંવરજી બાવળિયા અને રાઘવજી બીજી વાર મંત્રી બન્યા છે, બાવળિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કેસરિયો ખેસ પહેર્યો હતો. કુંવરજી હળપતિ રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે, તેઓ પણ કોંગ્રેસના ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે એ પછી તેમણે કોંગ્રેસથી છેડો ફાડી ભગવો ધારણ કર્યો હતો.