ગુજરાત: 38 ધારાશાસ્ત્રીઓના વારસદારોને મૃત્યુ સહાય પેટે રૂ.1 કરોડ ચૂકવાશે
ગુજરાતમાં મૃત્યુ પામેલા વકીલોના વારસોને BCGની રૂ.1 કરોડની સહાય મળશે. જેમાં ત્રણ મહિનામાં મૃત્યુ સહાયની 57માંથી 19 અરજી પડતર છે. તેમાં ગુજરાત એડ્વોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બનવાની વકીલોને અપીલ છે. તેમજ 42 ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય રૂ.12.50 લાખ ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં કૌભાંડ: પોપ્યુલર બિલ્ડરના સંબંધીઓએ કરોડોની ઠગાઈ આચરી
38 ધારાશાસ્ત્રીઓના વારસદારોને મૃત્યુ સહાય પેટે એક કરોડ રૂપિયા ચૂકવાશે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (બીસીજી)ની એડમિનિસ્ટ્રેટિવ કમિટી દ્વારા નિર્ણય લેવાયો છે કે 38 ધારાશાસ્ત્રીઓના વારસદારોને મૃત્યુ સહાય પેટે એક કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવશે. આ તમામ ધારાશાસ્ત્રીઓ બીસીજીના ગુજરાત એડ્વોકેટ વેલ્ફેર ફંડના નિયમિત સભ્ય હતા અને નિયમિત રીતે રિન્યુઅલ ફી ચુકવનાર અને પ્લેસ ઓફ પ્રેક્ટિસ વેરિફિકેશનનુ ફોર્મ ભરતા હતા. જ્યારે બીસીજીના વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરેલ ન હોય તેમજ પ્લેસ ઓફ પ્રેક્ટિસ વેરિફિકેશનનુ ફોર્મ ન ભરનારા બાકીના 19 જેટલા ધારાશાસ્ત્રીના વારસદારોની મૃત્યુ સહાય મેળવવા માટેની અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવેલી છે. આ ઉપરાંત 42 ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય રૂ.12.50 લાખ ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આશરે 60 હજાર જેટલા ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડ્વોકેટ વેલ્ફેર ફંડના સભ્ય
બીસીજીના ચેરમેન અનિરુદ્ધસિંહ એચ. ઝાલા, એડમિનિસ્ટ્રેટિવ કમિટીના સભ્યો અનિલ સી. કેલ્લા સહિતનાઓની હાજરીમાં મિટિંગ યોજાયેલી. બીસીજી દ્વારા ગુજરાત એડ્વોકેટ વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ બીસીજીના રોલ પર નોંધાયેલા ધારાશાસ્ત્રીઓ પૈકી જે ગુજરાત વેલ્ફેર ફંડના સભ્ય બનેલ છે અને નિયમિત રિન્યુઅલ ફી ભરેલ છે તેમજ વેરિફિકેશન રૂલ્સનુ પાલન કરે છે તેવા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને હાલમાં રૂ. 3.50 લાખ મૃત્યુ સહાય ચૂકવાય છે. બીસીજીના રોલ પર આશરે એક લાખ ધારાશાસ્ત્રીઓ પૈકી આશરે 60 હજાર જેટલા ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડ્વોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બનેલ છે.