ગુજરાત: અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકો પગારથી વંચિત
- માર્ચ, 2024નો પગાર નહીં મળવાને કારણે શિક્ષકોને હાલાકી
- ચેટીચંડ, ગુડી પડવો, રામનવમી, રમજાન ઈદ વગેરે તહેવારો આવી રહ્યા છે
- શિક્ષકો અને પેન્શનરોમાં નારાજગી ફેલાઈ છે
અમદાવાદમાં એક અઠવાડિયું વીત્યું છતાં મ્યુનિ. સ્કૂલ બોર્ડના 12 હજાર શિક્ષકો પગારથી વંચિત છે. જેમાં શાસનાધિકારી જણાવે છે કે માર્ચ એન્ડિંગના કારણે પગાર ચૂકવવામાં વિલંબ થયો છે. તેમજ ગુડી પડવો, ચેટીચંડ, ઈદના તહેવારો ટાણે જ પગાર ન થતાં શિક્ષકો કફોડી સ્થિતિમાં મુકાયા છે.
આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર, જાણો કરાઇ ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની આગાહી
માર્ચ, 2024નો પગાર નહીં મળવાને કારણે શિક્ષકોને હાલાકી
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં ફરજ બજાવતા 12,000 જેટલા શિક્ષકો અને પેન્શનરોને એપ્રિલનું અઠવાડિયું વીતવા છતાં માર્ચ, 2024નો પગાર નહીં મળવાને કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં ચેટીચંડ, ગુડી પડવો, રામનવમી, રમજાન ઈદ વગેરે તહેવારો આવી રહ્યા છે ત્યારે પગારથી વંચિત રહેવાને કારણે આર્થિક મુશ્કેલી અનુભવતા AMC સ્કૂલ બોર્ડના શિક્ષકો અને પેન્શનરોમાં ભારે નારાજગી અને અસંતોષની લાગણી પ્રવર્તતી હોવાનું જાણવા મળે છે. ઈદના તહેવાર આડે બે- ત્રણ દિવસ બાકી હોવા છતાં હજી સુધી પગાર નહીં થવાને કારણે લધુમતી સમાજના શિક્ષકોને અન્ય લોકો પાસેથી ઉધાર લઈને ઈદની ઉજવણી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે વાસી ભાત ખાવાથી 7 બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મૃત્યુ
શિક્ષકો અને પેન્શનરોમાં નારાજગી ફેલાઈ છે
મ્યુનિ. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લગધીર દેસાઈએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનાનું એન્ડિંગ હોવાના કારણે પગાર અને પેન્શન ચૂકવવામાં મોડું થયું છે. રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ મળી ગઈ છે. દર મહિને પગાર પેટે રૂપિયા 50 કરોડ ચૂકવવામાં આવે છે. બેથી ત્રણ દિવસ બિલની કામગીરી મોડી થતાં પગાર ચૂકવી શકાયો નથી. દર મહિને મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકો અને પેન્શનરોનો પગાર સમયસર જમા થઈ જતો હોય છે પરંતુ, માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મહિનાના એક અઠવાડિયા બાદ પણ હજી સુધી ન ચૂકવતા શિક્ષકો અને પેન્શનરોમાં નારાજગી ફેલાઈ છે.