ગુજરાત: લો બોલો, શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાની ચીજવસ્તુઓ ભેટ મળી
- કુલ 315 મહાનુભાવોએ સરકારી શાળાઓની વિઝિટ લીધી
- કેટલીક સ્કૂલોમાં વાવાઝોડા બાદ પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
- સ્થાનિક દાતાઓએ શાળામાં દોઢ કરોડ રોકડ દાન પણ આપ્યું
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવમાં બાળકોને 22 કરોડની કિંમતની ચીજવસ્તુ ભેટ સ્વરૂપે મળી છે. જેમાં સ્થાનિક દાતાઓએ દોઢ કરોડ રોકડ દાન પણ આપ્યું છે. તેમજ શાળાઓ દીઠ નામાંકનના અલગ આંકડા અપાતા નથી. ગ્રાન્ટેડ તથા ખાનગી સ્કૂલમાં કુલ મળીને નોંધાશે, એમ પ્રાથમિક શિક્ષણ વિભાગે ઉમેર્યું છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં બાલવાટિકામાં અને ધોરણ-1માં પ્રવેશોત્સવ દરમિયાન કુલ રૂ.23.62 કરોડનું દાન સ્થાનિક દાતાઓ તરફથી મળ્યું હતું, જે પૈકી રૂ.22.12 કરોડના મૂલ્યની સ્ટેશનરી, સ્કૂલ બેગ, નોટબુકો બાળકોને અપાઈ હતી, જ્યારે રૂ.1.50 કરોડ રોકડ સ્વરૂપે દાન મળ્યું હતું, તેમ પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી જણાવાઈ રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાને પેપરલેસ કરવાની દિશામાં આગવી પહેલ
સ્કૂલોમાં વાવાઝોડા બાદ પ્રવેશોત્સવની કાર્યવાહી થઈ
ગત 12-13 જૂન દરમિયાન રાજ્યની કુલ 31,981 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી 27 જિલ્લાની 27,368 સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ થયો હતો. બિપોરજોય વાવાઝોડાની અસરવાળા છ જિલ્લા- કચ્છ, દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને મોરબીની કુલ 4613 સરકારી પ્રાથમિક શાળાઓમાં 12-13 જૂન દરમિયાન કાર્યક્રમ યોજાયો ન હતો, પણ આ સ્કૂલોમાં વાવાઝોડા બાદ પ્રવેશોત્સવની કાર્યવાહી થઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં મહિલાઓ માટે તમામ જિલ્લાઓમાં ‘શક્તિ સદન’નું નિર્માણ થશે
કુલ 315 મહાનુભાવોએ સરકારી શાળાઓની વિઝિટ લીધી
તા.12-13 જૂન દરમિયાન રાજ્યના મંત્રીઓ-પદાઅધિકારીઓ-સનદી અધિકારીઓ મળીને કુલ 315 મહાનુભાવોએ સરકારી શાળાઓની વિઝિટ લીધી હતી. બાલવાટિકામાં કુલ 9,77,513 બાળકો પ્રવેશપાત્ર હતા, તેમની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને અત્યારે એની ડેટા એન્ટ્રીની પ્રક્રિયા ચાલે છે, એવી જ રીતે છ વર્ષ પૂરા કરનારા 2,30,019 બાળકો ધોરણ-1માં પ્રવેશપાત્ર હતા, તેમની પણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી તેની ડેટા એન્ટ્રી પ્રક્રિયા હાલ થઈ રહી છે. બાલવાટિકા અને ધોરણ 1માં નામાંકનની આ સંખ્યા સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી સ્કૂલમાં કુલ મળીને નોંધાશે, એમ પ્રાથમિક શિક્ષણ વિભાગે ઉમેર્યું હતું.