ગુજરાત

‘ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનીને દેશના ખેડૂતોને પ્રેરિત કરશે’

Text To Speech

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનીને દેશના ખેડૂતોને પ્રેરિત કરશે. તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્તિ અપાવી એજ રીતે જનશક્તિના સામર્થ્યથી રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી દેશને મુક્તિ અપાવવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે. પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી ત્રસ્ત છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં 24 ટકા જેટલો ફાળો રાસાયણિક કૃષિનો છે, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થઇ રહ્યા છે. જમીનની ફળદ્રુપતા ઘટતા જમીન બંજર બની રહી છે. રાસાયણિક કૃષિથી ઉત્પન્ન થતાં દુષિત ખાધાન્નના કારણે લોકો કેન્સર, ડાયાબિટિસ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગોના ભોગ બની રહ્યા છે, રાસાયણિક કૃષિમાં દિન-પ્રતિદિન કૃષિ ખર્ચ વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું રહ્યું છે, સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાસાયણિક કૃષિના આ દુષ્પરિણામોમાંથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ હોવાનું રાજ્યપાલે જણાવ્યું હતું.

પ્રાકૃતિક કૃષિથી અનેક લાભ મળે છે તેની વિગતો આપતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ થી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. એક દેશી ગાયની મદદથી 30 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે તેના કારણે કૃષિ ખર્ચ નહિવત થાય છે અને ઉત્પાદનમાં ઘટાડો થતો નથી. પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત કૃષિ પેદાશોના ભાવ પણ પ્રમાણમાં વધુ મળે છે અને સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી એમ સ્પષ્ટ જણાવતા રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વાપ્સા, મલ્ચીંગ અને મિશ્ર પાકના સિદ્ધાંતને અનુસરીને પૂર્ણ વિધિથી પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો ઉત્પાદન ઘટતું નથી પરંતુ જમીનના ઓર્ગેનિક કાર્બનમાં એક જ વર્ષમાં નોંધપાત્ર વધારો થાય છે, જમીન ફળદ્રુપ બને છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂત મનોજ સોલંકી અને આશાપુરા ફાર્મના હરીશ ઠક્કરનું ઉદાહરણ આપતા રાજ્યપાલે કહ્યું હતું કે, 400 એકર ફાર્મમાં પ્રાકૃતિક કૃષિ અપનાવીને હરીશભાઈએ એક જ વર્ષમાં ઉત્પાદનમાં 15 ટકાનો લાભ મેળવ્યો હતો એટલું જ નહીં ખાતર અને જંતુનાશક દવાઓનો રૂપિયા એક કરોડ સુધીનો ખર્ચ તેઓ બચાવી શક્યા છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર પાછળ કેન્દ્ર સરકાર 1 લાખ 60 હજાર કરોડ રૂપિયાની સબસીડીનો આર્થિક બોજો વહન કરે છે.

રાજ્યપાલે જૈવિક કૃષિ એટલે કે ઓર્ગેનિક કૃષિથી પ્રાકૃતિક કૃષિને તદ્દન અલગ ગણાવી ઉમેર્યું હતું કે, જૈવિક કૃષિમાં વિદેશી અળસિયાનો ઉપયોગ થાય છે, તેમાં મલ્ચીંગની વ્યવસ્થા નહીં હોવાથી નિંદામણની સમસ્યા રહે છે, ખેડૂતોના કૃષિ ખર્ચમાં ઘટાડો થતો નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ-ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીની મદદથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતથી જમીનમાં અળસિયા અને મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે, જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વૃદ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદાન એટલે કે મલ્ચીંગના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે, મલ્ચીંગથી જમીનને ઊંચા તાપમાન સામે રક્ષણ મળે છે અને જમીનનો ઓર્ગેનિક કાર્બન હવામાં ઊડી જતો નથી. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાય છે જેનાથી પ્રાકૃતિક ખેતીમાં પાણીની 50 ટકા જેટલી બચત કરી શકાય છે. મલ્ચીંગથી નિંદામણની સમસ્યાથી મુક્તિ મળે છે અને અળસિયા જેવા મિત્ર જીવોને વધુ કાર્ય કરવાનું વાતાવરણ મળી રહે છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવાના ઈશ્વરીય કાર્ય તરીકે ગણાવીને વધુને વધુ ખેડૂતો આ કૃષિ પદ્ધતિ સાથે જોડાય અને આત્મનિર્ભર ખેડૂત,આત્મનિર્ભર કૃષિ થી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સૌ યોગદાન આપે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો પ્રાકૃતિક કૃષિ શિબીરના શુભારંભ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યૂં હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જામનગરના દરેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવાનો જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે.

Back to top button