ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમને 16 દિવસમાં એડવાન્સ ટિકિટ બુકિંગ પેટે રૂપિયા 28.33 કરોડની આવક
- દરરોજની સરેરાશ રૂપિયા 1.77 કરોડની આવક થઇ
- એડવાન્સ બુકિંગમાં 20 ટકાનો વધારો થયો
- દૈનિક આવકનો આંક રૂપિયા બે કરોડને પાર જાય તેવી સંભાવના
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમને દિવાળી ફળી છે. જેમાં માત્ર 16 દિવસમાં એડવાન્સ ટિકિટ બુકિંગ પેટે એસટી નિગમને રૂપિયા 28.33 કરોડની આવક થઇ છે. તેમાં 9 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર દરમિયાન વિવિધ ડિવિઝન, ઈ-બુકિંગ અને મોબાઇલ બુકિંગથી કુલ રૂપિયા 10.56 લાખની ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું છે. જેમાં અમદાવાદ ડિવિઝનથી સૌથી વધુ 71587 એડવાન્સ ટિકિટ બુકિંગનો સમાવેશ થાય છે.
એડવાન્સ ટિકિટ બુકિંગથી સૌથી વધુ રૂપિયા 1.97 કરોડની આવક 24 ઓક્ટોબરના રોજ થઈ
છેલ્લા 16 દિવસમાં સૌથી વધુ એડવાન્સ ટિકિટ બુકિંગથી સૌથી વધુ રૂપિયા 1.97 કરોડની આવક 24 ઓક્ટોબરના રોજ થઈ છે. આ સ્થિતિ જોતાં એડવાન્સ બુકિંગ પેટે એસટી નિગમને દરરોજની સરેરાશ રૂપિયા 1.77 કરોડની આવક થાય છે. દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવે તેમ તેમ એસટીની દૈનિક આવકનો આંક રૂપિયા બે કરોડને પાર જાય તેવી સંભાવના છે. દરમિયાન ગીતા મંદિરથી 26 ઓક્ટોબરના એક્સ્ટ્રા બસની 58 ટ્રિપમાં 3269 મુસાફર નોંધાયા હતા અને તેનાથી રૂપિયા 6.58 લાખની આવક થઈ હતી.દિવાળીના પર્વને લઈ બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના કંપની અને શાળા-કોલેજોમાં રજા પડતા વિદ્યાર્થીઓ અને શ્રમિકો પોતાના વતન જતા હોવાથી એસ.ટી બસ ડેપો પર મુસાફરોની ભીડ જોવા મળી છે. બીજી તરફ રેલવે સ્ટેશન પર મુસાફરોથી ઉભઈ ગયા છે.
એડવાન્સ બુકિંગમાં 20 ટકાનો વધારો થયો
દિવાળીના તહેવારને લઈને એસ.ટી બસોમાં દૈનિક એડવાન્સ બુકિંગમાં 20 ટકાનો વધારો થયો છે. જેમાં રાજ્યમાં કુલ 8,340 એકસ્ટ્રા બસો દોડાવાશે. સુરતથી 2,200, દક્ષિણ-મધ્ય ગુજરાતથી 2,900, સૌરાષ્ટ્ર-કચ્છથી 2,150 અને ઉત્તર ગુજરાતથી 1,090 બસો દોડાવાશે. તહેવાર ટાણે ખાનગી બસોની સાથે હવે એક્સ્ટ્રા બસોમાં નિયમિત ભાડા કરતાં 1.25 ગણુ ભાડું વધારે વસૂલાશે. ટિકિટ લેવા લોકોની પડાપડી થઈ રહી છે. વહેલી સવારથી બુકિંગ ટિકિટ કરાવવાને લઈ લોકોની ભીડ ઉમટી છે, કન્ફર્મ ટિકિટ લેવા માટે લોકો વહેલી સવારથી લાઈનમાં ઊભા છે.
આ પણ વાંચો: રૂપિયા 8000 કરોડનું GST કૌભાંડ, સુરતમાંથી ઝડપાયો માસ્ટરમાઈન્ડ