ગુજરાતની ST બસમાં મુસાફરી આજથી મોંઘી થઈ, જાણો કયા કયા રુટનું ભાડું કેટલું થયું?


અમદાવાદ, 29 માર્ચ : ગુજરાત એસટી બસના ભાડામાં 10% નો વધારો કરવામાં આવ્યો છે. આ નવું ભાડું આજથી અમલમાં આવ્યા છે. આ અંગેનો પરિપત્ર પણ ગત રોજ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયના લીધે એસટી બસમાં દૈનિક મુસાફરી કરતા લગભગ 25 લાખથી વધુ મુસાફરોને સીધી અસર થવાની છે.
કેટલું ભાડું વધશે?
નિગમની પરિવહન સેવાઓ વધુ મજબુત અને સુવિધાયુક્ત બને તે ધ્યાને લઈ ભાડા વધારામાં ફેરફાર કરવાની સત્તાઓ અનુસાર નિગમના સંચાલક મંડળ દ્વારા નિગમની સર્વિસોમાં 28 માર્ચ 2025ની મધ્યરાત્રિથી એટલે કે તારીખ 29 માર્ચ 2025થી 10% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે.
જેમાં લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ.1/- થી રૂ.4/- સુધીનો ભાડા વધારો થયો છે.
કયા રુટમાં કેટલું ભાડું વધ્યું
- અમદાવાદથી મહેસાણાનું ભાડું રૂ. 95થી વધીને રૂ.105
- અમદાવાદથી વડોદરાનું ભાડું રૂ.114થી વધીને રૂ.125
- અમદાવાદથી સુરતનું ભાડું રૂ.194થી વધીને રૂ.213
- અમદાવાદથી રાજકોટનું ભાડું રૂ.171થી વધીને રૂ.188
- અમદાવાદથી જામનગરનું ભાડું રૂ.216થી વધીને રૂ.238
- અમદાવાદથી ભાવનગરનું ભાડું રૂ.154થી વધીને રૂ.169
- અમદાવાદથી દાહોદનું ભાડું રૂ.165થી વધીને રૂ.182
- અમદાવાદથી ગોધરાનું ભાડું રૂ.121થી વધીને રૂ.133
અહીં ઉલ્લેખનિય છે કે, દરરોજ લગભગ 27.18 લાખ મુસાફરો એસ.ટી. બસમાં મુસાફરી કરે છે. ગુજરાતમાં દરરોજ 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 27.18 લાખ મુસાફરો રાજ્યની એસ.ટી. બસમાં મુસાફરી કરે છે.
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTC)ની કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપ પૂરી કરે છે. તમામ બસોનું 34.52 લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના 18,367 ગામડાઓ એટલે કે 99.34 ટકા ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે. રોજ સરેરાશ 68,000 ટિકિટ ઓનલાઇન બુક થાય છે.
આ પણ વાંચો: CAG રિપોર્ટ: ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ થયું, 2023માં વ્યક્તિદીઠ 51,1166નું દેવું હતું