ગુજરાત: ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી


- શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ માટે કેટલીક સુચનાઓ જાહેર કરવામાં આવી
- વાદળી બોલપેન સિવાય અન્ય કોઇ રંગની શાહીનો ઉપયોગ કરવાનો નથી
- ઉત્તરવહીમાં બાકી રહેલા કોરા પાના પર ઉભી લીટી દોરવાની રહેશે
તારીખ 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ માટે કેટલીક સુચનાઓ જાહેર કરવામાં આવી છે. તેમાં પ્રશ્નપત્ર અને ઉત્તરવહીમાં વાદળી રંગની બોલપેન સિવાય કોઇ રંગની શાહીનો ઉપયોગ કરવાની પણ મનાઇ ફરમાવાઇ છે. સાથે જવાબવહી કે પૂરવણીમાં ધાર્મિક નિશાની પણ નહીં કરવાની બોર્ડ દ્વારા સ્પષ્ટ તાકીદ કરાઇ છે.
વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે
જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે બોર્ડ દ્વારા આ સંબંધે વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. તેમાં જણાવાયું છે, કે ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કરનારા પરીક્ષાર્થી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાર્થીએ જવાબવહીમાં કોઇપણ પાના ઉપર પોતાની ઓળખ પ્રગટ થાય તેવા નંબર કે નિશાન કરવાના નથી. સાથે જ દેવી, દેવતાના નામ કે કોઇપણ ધામક ચિન્હો જેવા કઇપણ લખાણ કરવાના નથી.
વાદળી બોલપેન સિવાય અન્ય કોઇ રંગની શાહીનો ઉપયોગ કરવાનો નથી
આ ઉપરાંત કોઇપણ ભાગમાં લખાણ કરતી વખતે વાદળી મતલબ કે ભુરા રંગની શાહી, બોલપેન સિવાય અન્ય કોઇ રંગની શાહીનો ઉપયોગ કરવાનો નથી. જવાબના મથાળા કે પેટા મથાળાની નીચે લીટી દોરવા માટે પણ અન્ય રંગની શાહીનો ઉપયોગ કરવાનો નથી. વધુમાં જણાવ્યું કે જવાબવહીમાં પ્રત્યેક પાનાની બન્ને બાજુએ લખવાનું છે. વિભાગવાર પ્રશ્નોના ઉત્તર લખવાના છે. વિભાગ બદલાય એટલે નવા પાના પરથી જવાબ શરૂ કરવાના છે.
બાકી રહેલા કોરા પાના પર ઉભી લીટી દોરવાની રહેશે
નવો પ્રશ્ન નવા પાના પરથી શરૂ કરવાનો છે. વચ્ચે કોરૂ પાનું છોડવાનું નથી. પેપર પૂર્ણ થયા પછી બાકી રહેલા કોરા પાના પર ઉભી લીટી દોરવાની રહેશે. આ વિગતોમાં અપૂર્તતા માટે પરીક્ષાર્થી ઉપરાંત ખંડ નિરિક્ષક પણ જવાબાદાર રહેશે.
આ પણ વાંચો: ગુજરાત: મુંદ્રામાં 32.47 લાખના કોકેઇનના કેસમાં વધુ એક આરોપી પંજાબથી ઝડપાયો