ગુજરાતમાં રીંછની સંખ્યામાં વધારો જોવા મળ્યો, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રીંછ નોંધાયા
બનાસકાંઠા જિલ્લાના રીંછના જેસોર અભ્યારણમાં બાલારામ અંબાજી અભ્યારણમાં રીંછોની સંખ્યા વધી છે. 2016માં રીંછની વસ્તી ગણતરી દરમિયાન 121 રેન્જ નોંધાયા હતા જે હવે 25 વધીને 146 થયા છે. જેના લીધે વન્ય પ્રેમીઓમાં ખુશી જોવા મળી છે. જેસોર અભ્યારણ 181 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વ્યાપેલું છે. પહાડીમાં પ્રાકૃતિક રીતે ગુફાઓની રચના હોવાથી તેમને રહેવા માટે અનુકૂળ જગ્યાઓ છે ઉપરાંત પાણીના સ્ત્રોત એવી જગ્યાએ છે જ્યાં મોટાભાગે લોકોની અવર-જવર નથી. જેથી તેમાં રીંછો આરામથી ત્યાં હરી ફરી શકે છે.
વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરવામાં આવે:
વન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી-2022 મુજબ ગુજરાતના સાત જિલ્લાઓમાં અંદાજે 358 રીંછની વસ્તી નોંધાઇ છે. રાજ્યમાં દર પાંચ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરવામાં આવે છે જેના ભાગરૂપે મે-2016માં છેલ્લી ગણતરી કરવામાં આવી હતી. અગાઉની વસ્તી ગણતરી કરતા રીંછની વસ્તીમાં સરેરાશ પાંચ ટકા જેટલો વધારો થયો છે. કોરોનાના લીધે 2021 માં વસ્તી ગણતરી થઈ શકી નહોતી અને 2022માં રીંછની વસ્તી ગણતરી થઈ હતી.
કયા જિલ્લામાં કેટલાં રીંછ?
રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 146 રીંછની સંખ્યા નોંધાઇ છે. જ્યારે દાહોદ જિલ્લામાં 101, છોટાઉદેપુરમાં 61, સાબરકાંઠામાં 30 , મહેસાણામાં 9, પંચમહાલમાં 6 અને નર્મદા જિલ્લામાં 5 મળી કુલ 358 રીંછની વસ્તી નોંધાઇ છે.
વન વિભાગ ના સૂત્રોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે “ ગુજરાત વિવિધ વન્ય પ્રાણીઓથી સમૃદ્ધ રાજ્ય છે. વન્ય પ્રાણી વસ્તીમાં વધારો કે ઘટાડો થાય છે તે અંગે વ્યવસ્થાપનના ભાગરૂપે વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે રીંછની ગણતરી કરવામાં આવે છે. 2022માં સમગ્ર ગુજરાતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ નિરીક્ષણ પદ્ધતિથી રીંછની વસ્તીનો અંદાજ હાથ ધરવામાં આવ્યો હતો. આ સમગ્ર માહિતીના સંકલન તેમજ પૃથ્થકરણને અંતે રાજ્યમાં રીંછની કુલ વસ્તી અંદાજવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર દ્વારા 1 કરોડ બાળકો માટે હેલ્થ ચેકઅપ અભિયાનનો પ્રારંભ