ગુજરાત: રૂપાલના વરદાયિની માતાજી મંદિરે આજે પલ્લીનો મેળો, ઘીની નદીઓ વહેશે
- આજે રૂપાલ ગામ ખાતે મધરાત્રે પલ્લીનો મેળો યોજાશે
- કાયદો -વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત
- મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં નવરાત્રિના પર્વની ઉજવણી થઇ રહી છે. જેમાં આજે નવની નવરાત્રિ છે. ત્યારે રાજ્યના ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૂપાલ વરદાયીની માતા મંદિરથી દર વર્ષે નવરાત્રિના નોમની રાત્રીએ પલ્લી નિકાળવામાં આવે છે.
મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી
આજે રૂપાલ ગામ ખાતે મધરાત્રે પલ્લીનો મેળો યોજાશે. જેના માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજી મંદિરમાં નવરાત્રિના નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો ભરાશે અને આસ્થાની સાથે કોમી એકતાના પ્રતિકસમા રૂપાલનો આ પલ્લી મેળો યોજાશે.
કાયદો -વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત
નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે, નોમની રાત્રે પલ્લી નિકળવાની છે. જેની તૈયારીઓ ઘણા વખત પહેલાથી જ શરુ થઇ ગઇ હતી આ મંદિરનો વહિવટ સરકાર હસ્તક છે અને રૂપાલની પલ્લીમાં આઠ લાખ જેટલા ભક્તો આવતા હોવાને કારણે કલેક્ટરે આ બબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ વિવિધ વિભાગો અને મંદિરના ટ્રસ્ટી મંડળ સાથે બેઠકો શરૂ કરી દીધી હતી. ગામના વિવિધ ચોક અને ચોરામાં ઘી રાખવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ધાર્મિક કાર્યક્રમમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો -વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCના એક નિર્ણયથી ફેરિયાઓની દિવાળી સુધરી