અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 33 શંકાસ્પદ કેસ, કુલ 16 મૃત્યુ નોંધાયા, CMએ બેઠક યોજી

ગાંધીનગર, 18 જુલાઈ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ કેસો અંગે રાજ્ય સરકારના આરોગ્યતંત્ર દ્વારા લેવાયેલા રોગચાળા નિયંત્રણ પગલાંઓ અને રોગ નિવારણ માટેની સઘન કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે ચાંદીપુર વાયરસના નિયંત્રણ અંગેની સમીક્ષા બેઠક યોજી હતી. આ શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસનો પ્રથમ કેસ 27 જૂનના રોજ રાજસ્થાન ઉદેપુરના એક દર્દી ગુજરાતમાં હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે દાખલ થતા મળી આવ્યો હતો. હાલ રાજ્યમાં કુલ 33 શંકાસ્પદ કેસો વાયરલ એન્કેફેલાઇટીસના મળી આવ્યા છે. જેમાં કુલ 16 મૃત્યુ નોંધાયા છે.

56651 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું
ચાંદીપુરા વાયરસની પુષ્ટિ માટે સેમ્પલને પુના મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 7 સેમ્પલના પરિણામ આવ્યા છે.જેમાં 6 સેમ્પલ ચાંદીપુરા વાયરસ માટે નેગેટીવ અને ફક્ત એક જ સેમ્પલ પોઝીટીવ નોંધાયો છે. રાજ્યના આરોગ્ય તંત્રએ ચાંદીપુરા અને વાયરલ એન્કેફેલાઇટીસના વેક્ટર નિયંત્રણ અને અટકાયત માટે સઘન પગલાંઓ લેવાના શરૂ કર્યા છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી.260 ટીમો દ્વારા 11050 ઘરોમાં કુલ 56651 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું. 4838 કાચા મકાનો અને ઢોર-કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે. કાચા મકાનો અને ઢોર-કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે.

પુના ખાતેની લેબમાં તપાસ માટે સેમ્પલ મોકલાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની દરેક જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં દાખલ થતાં વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈને તાત્કાલિક પુના ખાતેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજીમાં તપાસણી માટે મોકલવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા બેઠકમાં તાકીદ કરી હતી.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓને દરેક કેસોનું રેપિડ રિસ્પોન્‍સ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવા આ વીડિયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું. રાજ્યકક્ષાની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા અરવલ્લી અને સાબરકાંઠાના કેસો રૂબરૂ વિઝિટ કરીને તપાસવામાં આવ્યા છે. વાયરલ એન્કેફેલાઇટીસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃસાબરકાંઠા: ચાંદીપુરા વાયરસને લઈને સાંસદ શોભનાબેન બારૈયા ટીમ સાથે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે

Back to top button