ગુજરાત સહિત દેશભરમાં જાન્યુઆરી મહિનાની સાથે ઠંડીના ચમકારા પણ આગળ વધી રહ્યા છે. જો કે છેલ્લા બે દિવસથી પવન સાથે ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ હવામાન વિભાગે હજી પણ ઠંડીનું જોર ચાલુ રહેશે તેવી વાત કરી છે.
અમદાવાદ ખાતે હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હજી પણ લઘુત્તમ તાપમાનમાં આગામી 2-3 દિવસમાં વધારો થવાની સંભાવના છે. તેમજ લઘુત્તમ તાપમાનમાં 2-3 દિવસમાં વધારો થવાની સાથે જ મહત્તમ તાપમાન 2-4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પછી કોઈ મોટા ફેરફારની સંભાવના નથી.
છેલ્લા ઘણાં દિવસોથી ઠંડીની અસર અંગેના કારણ આપતાં જણાવ્યુંકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીના ચમકારામાં સામાન્ય ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
આ પણ વાંચો : L D કોલેજના 75માં વર્ષ નિમિત્તે ‘ગ્લોબલ એલ્યુમની કન્વેન્શન’ ઉજવાયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ ઉદ્ઘાટન
જો વાત રાજ્યના સૌથી નીચું તાપમાન અંગે કરવામાં આવે તો નલિયામાં 6.1 ડિગ્રી જોવા મળી રહ્યું છે, અમદાવાદમાં 14.1 ડિગ્રી તો ગાંધીનગરમાં પણ આજે ઠંડીથી રાહત જોવા ણળી છે. અહીંનું તાપમાન પણ 14 ડિગ્રી નોંધાયું છે. અન્ય શહેરોમાં રાજકોટમાં 11.9 ડિગ્રી તાપમાન તો ભૂજમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરાની વાત કરીએ તો 14.2 ડિગ્રી અને સુરતમાં 18.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.
આ ઉપરાંત ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર દેશના અન્ય રાજ્યો પર પડી રહી છે. જેમાં દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં કોલ્ડ વેવની પણ અસર છે. ઠંડીના કારણે સામાન્ય જનજીવનની સાથે રેલવે અને ફ્લાઈટને પણ અસર થઈ રહી છે. જોકે ઠંડીના જોરમાં ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ડીસામાં પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરી વેચતા બે ઝડપાયા