ગુજરાતમાં 2022થી 2024 સુધીમાં રેકોર્ડ બ્રેક અંદાજે 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા
- ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી સહાય ચૂકવવા રાજ્યના 9 વિભાગોની 200થી વધુ યોજનાઓનું આધાર સાથે જોડાણ કરવામાં આવ્યું
ગાંધીનગર, 21 ડિસેમ્બર: ગુજરાતમાં વર્ષ 2022થી નવેમ્બર- 2024 સુધીમાં રેકોર્ડ બ્રેક અંદાજે 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી સહાય ચૂકવવા રાજ્યના 9 વિભાગોની 200થી વધુ યોજનાઓનું આધાર સાથે જોડાણ કરવામાં આવ્યું છે, જ્યારે ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનના માધ્યમથી 60 લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ છે. આધાર, PAN, વિદ્યાર્થી ID, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
તમામ પ્રકારની માહિતી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ
પ્રવર્તમાન સમયમાં અદ્યતન ઈન્ટરનેટ અને ટેકનોલોજીના ઉપયોગના પરિણામે આજે તમામ પ્રકારની માહિતી ઈન્ટરનેટ જગતના માધ્યમથી નાગરિકોના આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. જન કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના નાગરિકોને સરળ અને ઝડપી પહોચાડીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાનની હરહમેંશ અનુભૂતિ કરાવવામાં આવે છે. જેના ફળશ્રુતિરૂપે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2022થી નવેમ્બર- 2024 સુધીમાં અંદાજે 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા છે.
જ્યારે વિવિધ વિભાગોમાંથી સરેરાશ માસિક 5 કરોડ અને દરરોજ સરેરાશ 22 લાખ જેટલી આધાર ઓથેન્ટિકેશનની અરજી પર સફળતાપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2022-23માં 18 કરોડ, વર્ષ 2023-24માં 22 કરોડ તેમજ નવેમ્બર 2024 સુધીમાં 48 કરોડ, એમ કુલ 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ રાજ્યભરમાં નોંધાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ભારત’ના સ્વપ્નને રાજ્ય સરકાર ‘ડિજિટલ ગુજરાત’ થકી સાકાર કરી રહી છે. આ ડિજિટલ ગુજરાતના મંત્રને ચરિતાર્થ કરવા ગુજરાતના વિવિધ વિભાગો દ્વારા લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર- DBT માધ્યમથી સહાય ચૂકવવાના ઉમદા આશયથી વર્ષ 2022થી 24 સુધીમાં રાજ્યના 9 વિભાગોની 200થી વધુ યોજનાઓની નોંધણી કરવામાં આવી છે.
- ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન: ઓથેન્ટિકેશનના વેરિફિકેશનને વધુ સચોટ બનાવવાના ઉમદા હેતુથી ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જેના પરિણામે રાજ્યમાં નાણાકીય વર્ષ 2022થી નવેમ્બર 2024 સુધીમાં ફેસ ઓથેન્ટિકેશનની એપ્લિકેશનના માધ્યમથી 60 લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ છે.
- સિંગલ સાઈન ઓન એપ્લિકેશન(SSO): રાજ્યના નાગરિકો બહુવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઓનલાઈન ઘરે બેઠા લઇ શકે તે માટે સિંગલ સાઈન ઓન એપ્લિકેશન બનાવામાં આવી છે. નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ આધાર, PAN, વિદ્યાર્થી ID, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી આગવી ઓળખ બનાવે છે. જે સરકારી સેવાનો લાભ લેવા આંતર વિભાગો સાથે સુરક્ષિત ડેટા કેપ્ચર- શેયર કરશે.
આ સિસ્ટમ થકી રાજ્યની સરકારી સેવાઓ- યોજનાઓનો લાભ નાગરિકોને આંગળીના ટેરવે મળી રહ્યો છે. સાથે જ આ પેપરલેસ વર્કના માધ્યમથી સમય અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
21મી સદી ઈન્ટરનેટ લોકોની મુખ્ય જરૂરીયાત બન્યું
ઉલ્લેખનીય છે કે, 21મી સદી વિજ્ઞાનની સદી કહેવાય છે. આ સદીમાં રોટી, કપડા અને મકાનની સાથોસાથ ઈન્ટરનેટ પણ લોકોની મુખ્ય જરૂરીયાત બન્યું છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરતા આપણે કેટલીવાર ‘આધાર ઓથેન્ટિકેશન’ શબ્દ સાંભળ્યો હશે પણ તમને ખબર છે. આધાર ઓથેન્ટિકેશન શું છે ? આધાર ઓથેન્ટિકેશન એ વ્યક્તિની ઓળખને માન્ય કરવાનું એક પ્રક્રિયાત્મક સાધન છે, જેમાં આધાર નંબર, વ્યક્તિના બાયોમેટ્રિક અથવા ડેમોગ્રાફિક વિગતોનો ઉપયોગ કરીને તેમની ઓળખની પુષ્ટિ કરવામાં આવે છે. આ પ્રક્રિયા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા- UIDAI દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે, જે નાગરિકોની વ્યક્તિગત માહિતીની ખરાઈ કરે છે.
આ પણ જૂઓ: પીએમ મોદીને આવી કચ્છના રણોત્સવની યાદ, વીડિયો શેર કરીને કહી આ વાત