ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં સિઝનનો 93 ટકા વરસાદ નોંધાયો, 2017 બાદ અત્યાર સુધીમાં સૌથી વધુ 30 ઈંચ વરસાદ ખાબક્યો

Text To Speech

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે હજુ પણ મેઘસવારી યથાવત છે. રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 58 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ જ્યારે 38 તાલુકાઓમાં 90થી 98 ટકા સુધીનો વરસાદ ખાબકી ગયો છે.જો કે રાજ્યના 18 તાલુકા અને દાહોદ જિલ્લામાં હજુ 50 ટકા જેટલો પણ વરસાદ થયો નથી. દાહોદ જિલ્લામાં માત્ર 48.94 ટકા અને સૌથી ઓછો ખેડાના ઠાસરા તાલુકામાં 10.12 ઈંચ એટલે કે, સરેરાશ વરસાદના 32.36 ટકા જ થયો છે.

આગામી ચાર દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ચાર દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં આ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. સુરતના પલસાણામાં 8.54, તાપીના વ્યારામાં 8.4, ડોલવણ અને બારડોલીમાં 6.77, સોનગઢમાં 5.78 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે અત્યારસુધીમાં મોસમનો સો ટકા વરસાદ વરસી ગયો છે.ભારે વરસાદને પગલે સોમવારે વાસણા બેરેજના સાત દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી વીસ હજાર કયૂસેક પાણી છોડવાની મ્યુનિસિપલ તંત્રને ફરજ પડી હતી.આ વર્ષે 10 જુલાઈથી અમદાવાદમાં વરસાદના ધમાકેદાર રાઉન્ડની શરુઆત થવા પામી હતી.16 ઓગસ્ટ સુધીમાં મોસમનો સરેરાશ વરસાદ ત્રીસ ઈંચથી પણ વધુ થવા પામ્યો છે.શહેરમાં પ્રતિ વર્ષ સરેરાશ ત્રીસ ઈંચ વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવતી હોય છે.

Back to top button