અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આ વર્ષે જુલાઈમાં વરસાદ ઓછો વરસ્યો, જાણો 2022-23માં કેટલા ટકા હતો

અમદાવાદ, 31 જુલાઈ 2024, રાજ્યમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ શોર ટ્રફને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘ મહેર થઈ ગઈ છે. જેથી અત્યાર સુધીમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે સરભર થઈ છે. રાજ્યનો સિઝનનો એવરેજ 60.78 ટકા વરસાદ વરસ્યો છે. 2022માં 31 જુલાઈએ 70 ટકા અને 2023માં 78 ટકા વરસાદ થયો હતો. તેની સરખામણીએ 2024માં 31 જુલાઈએ માત્ર 60 ટકા જેટલો વરસાદ થયો છે.

રાજ્યના કુલ 169 તાલુકામાં વરસાદ થયો
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. જેમાં પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં પાંચ ઇંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જયારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ચાર ઇંચ જ્યારે જોટાણા, ખેરાલુ, મહેસાણા મળીને કુલ ત્રણ તાલુકામાં ત્રણ –ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બેચરાજી, રાધનપુર, સાંતલપુર, લખાણી, માંડવી-કચ્છ, ચાણસ્મા, અંજાર, સિદ્ધપુર, વડનગર, દેત્રોજ- રામપુરા, ઉમરપાડા, હારીજ, ખંભાળિયા, ભચાઉ અને સતલાસણા મળીને કુલ 15 તાલુકામાં બે – બે ઇંચ વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત રાજ્યના 23 જેટલા તાલુકાઓમાં એક ઇંચ થી વધુ જ્યારે સમગ્ર રાજ્યના કુલ 169 તાલુકામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયાના અહેવાલો છે.

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 31 મી જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 84 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69 ટકાથી વધુ, ઉત્તર ગુજરાતમાં 43 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42 ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના 207 ડેમમાં નવા નીર આવ્યાં
ગુજરાતના 207 ડેમમાં નવા નીર આવ્યાં છે. જળાશયોમાં હાલ 52 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 27.76, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 42.38, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 58.15. કચ્છના 20 ડેમમાં 52.06, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 51.27 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 55.05 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના 55 ડેમમાં 90 ટકાથી વધુ પાણી સંગ્રહ થવાથી હાઈએલર્ટ જાહેર કરાયું છે. 10 ડેમ એવા છે જેમાં 80થી 90 ટકા જેટલો પાણીનો સંગ્રહ હોવાથી એલર્ટ અપાયું છે. જ્યારે 11 ડેમમાં 70 ટકા જેટલું પાણી હોવાથી વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. 130 ડેમ એવા છે જેમાં 70 ટકાથી ઓછું પાણી છે.

આ પણ વાંચોઃબનાસકાંઠા : બે ઇંચ વરસાદમાં જ લાખણી ફરી થયું જળબંબાકાર

Back to top button