અમદાવાદ, 06 સપ્ટેમ્બર 2024, દક્ષિણ ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે જોર ઘટ્યું છે. સાથે જ, હાલ કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધું છે. જ્યારે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 2 ઇંચ વરસાદ
ગત ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ અને મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના પાલનપુર અને ડિસા, પાટણના રાધનપુર, સાબરકાંઠાના હિંમતનગર, મહેસાણા તેમજ આણંદ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, રાજ્યમાં ૧૪ તાલુકામાં ૨ ઇંચથી વધુ, ૪૬ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૧૩૭ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ 100 ટકા પાર
રાજ્યના કુલ ૨૦૭ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ ખાબક્યો છે.રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦ ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૮૩ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૮ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૨ ટકા નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૬ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં ૧૦૪ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃગુજરાતમાં હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું