ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત ૧૭ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે

ગાંધીનગર, 1 માર્ચ  2025 :  પ્રાણી,પક્ષી અને પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં ગુજરાત દેશમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. વૃક્ષો થકી પર્યાવરણના જતન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત વર્ષ ૨૦૨૪માં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તા. ૫ જૂન નિમિતે ‘એક પેડ મા કે નામ’ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રથમવાર શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે સાચા અર્થમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ ‘જન અભિયાન’ પ્રસ્થાપિત થયું છે. ગુજરાત સહિત વિશ્વભરમાં તા.૩ માર્ચને “વિશ્વ વન્યજીવન દિવસ” તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વાવવામાં આવેલા વૃક્ષો આગામી સમયમાં દેશભરની માનવ જીવન-વન્યજીવ સૃષ્ટિના રહેઠાણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું.

 સૌથી વધુ ૩૯ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે
 અભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો
 વન્યજીવો માટે મહત્વપૂર્ણ એવી ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં ૧૯,૦૨૦ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં ફેબ્રુઆરી-૨૦૨૫ની સ્થિતિએ બીજા નંબરે સૌથી વધુ ૧૭.૩૨ કરોડથી વધુ વૃક્ષારોપણ કરી રાજ્યમાં ગ્રીન કવરમાં વધારો કરવા નવો કીર્તિમાન-રેકોર્ડ સ્થાપ્યો છે. જ્યારે વસ્તી-વિસ્તારના સાપેક્ષમાં ઉત્તરપ્રદેશ ૩૯.૫૧ કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.
આ સાથે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ આજ સુધીમાં દેશના ૩૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ ૧૨૧ કરોડથી વધુ વૃક્ષો વાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ સ્થાપ્યો છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ વિશ્વ વન્યજીવન દિવસની ઉજવણી સંદર્ભે ‘એક પેડ મા કે નામ’ અભિયાન વિશે વિગતો આપતા જણાવ્યું હતું.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

વન મંત્રી મુળુ બેરાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના પર્યાવરણલક્ષી ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ગુજરાતમાં સૌ પ્રથમ ગાંધીનગરથી પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સહભાગી થઈને ગુજરાતના મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ, શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકોએ પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાની કાળજી લઈ રહ્યા છે. આ જન અભિયાનના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે ઉત્તરપ્રદેશ બાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે છે પરંતુ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ઉત્તરપ્રદેશ દેશમાં સૌથી વધુ અંદાજે ૧૯.૯૮ કરોડની વસ્તી ઉપરાંત ૨,૪૦,૯૨૮ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય છે. જેની તુલનામાં ગુજરાત અંદાજે ૬ કરોડથી વધુ વસ્તી તેમજ ૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તે જોતા ગુજરાત વૃક્ષારોપણમાં દેશમાં અગ્રેસર છે તેમ કહી શકાય. આ સિદ્ધિ સૌ પર્યાવરણ પ્રેમી ગુજરાતીઓને આભારી છે તેમ,જણાવી મંત્રીએ આ અભિયાનમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા આહ્વાન કયું હતું.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં થયેલા વૃક્ષારોપણની વિગતો આપતાં કહ્યું કે, તા. ૨૭ ફેબ્રુઆરી-૨૦૨૫ની સ્થિતિએ ગ્રામીણ વિસ્તારમાં ૧૫.૭૧ કરોડ જ્યારે શહેરી વિસ્તારમાં ૧.૬૦ કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ કુલ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે રણ વિસ્તારની ઓળખ ધરાવતો કચ્છ જિલ્લો રાજ્યમાં પ્રથમ નંબર પર છે. આ સિવાય વૃક્ષારોપણમાં અનુક્રમે જામનગર જિલ્લામાં ૧.૦૧ કરોડ, અમદાવાદ જિલ્લામાં ૭૩.૮૭ લાખ, બનાસકાંઠામાં ૭૨.૮૩ લાખ, ખેડામાં ૭૦.૬૩ લાખ, સુરતમાં ૬૯.૭૨ લાખ, નર્મદામાં ૬૧.૧૩ લાખ, સુરેન્દ્રનગરમાં ૫૬.૯૧ લાખ, વલસાડમાં ૫૩.૫૫ લાખ, દાહોદ જિલ્લામાં ૫૧.૯૯ લાખ તેમજ સાબરકાંઠામાં ૫૦.૬૨ લાખ એમ કુલ ૩૩ જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર મળીને કુલ ૧૭.૩૨ કરોડથી વધુ વૃક્ષો ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં વાવવામાં આવ્યા છે.

વન્ય-દરિયાઈ જીવોના સંરક્ષણ હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વપૂર્ણ એવી ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં ૧૯,૦૨૦ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવના વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.

વન વિભાગના સહયોગથી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતો, શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ વૃક્ષ પ્રેમી નાગરિકો સ્વયંભૂ સહભાગી થઇને પોતાની માતાની યાદમાં પસંદગીનું વૃક્ષ વાવીને ગુજરાતમાં જન ભાગીદારી થકી ગ્રીન કવરમાં વધારો કરવા પોતાનું અમૂલ્ય પ્રદાન આપ્યું છે તેમ, મંત્રી મુકેશ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું.

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સૌથી વધુ વૃક્ષો વાવવામાં સમગ્ર દેશમાં અનુક્રમે ઉતરપ્રદેશ, ગુજરાત, તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો પ્રથમ પાંચ ક્રમમાં સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વર્લ્ડ કપ 2023નો સંકેત, ફાઇનલમાં ભારત સામે આ ટીમ ટકરાશે!!

Back to top button