અમદાવાદ, 09 જુલાઈ 2024, ગુજરાતમાં 10 જૂલાઈના રોજ આણંદ ખાતે અને 11 જૂલાઈના રોજ ઉકાઈ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઊજવવામાં આવશે. આ ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત મોડર્ન ટેક્નોલોજી વિશે માછીમારોને જાણકારી આપવામાં આવશે. રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ વિવિધ પ્રોત્સાહક પગલાંઓ અને નીતિઓ અમલમાં મૂક્યા છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે.
માછલી ઉત્પાદન લગભગ 9,15,190 મેટ્રિક ટન થવાની સંભાવના
ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને છે, જ્યારે અન્ય તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી થતા કુલ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં પાંચમા સ્થાન પર છે. છેલ્લા 4 વર્ષોમાં ગુજરાતમાં કુલ મત્સ્ય ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ લગભગ 8.38 લાખ મેટ્રિક ટન રહ્યો છે. વર્ષ 2022-23માં રાજ્યમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7,03,000 મેટ્રિક ટન અને આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 1,94,422 મેટ્રિક ટન થયું હતું. છે. આમ, વર્ષ 2022-23માં રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 8,97,422 મેટ્રિક ટન રહ્યું હતું. વર્ષ 2023-24 માં રાજ્યમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7,02,050 મેટ્રિક ટન, જ્યારે આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 2,13,140 મેટ્રિક ટન થવાની સંભાવના છે. આમ, વર્ષ 2023-24માં રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 9,15,190 મેટ્રિક ટન થવાની સંભાવના છે.
સૂત્રાપાડામાં ચાર નવા મત્સ્ય બંદરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2022-23માં કુલ 286.53 કરોડના તથા વર્ષ 2023-24માં કુલ 61.55 કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. તેનાથી પણ રાજ્યમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે. ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકિનારાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેક પહેલો હાથ ધરી છે, જેમાં ડીઝલના વેટદરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસીડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન માટે જમીન આપવી, રસ્તા અને વીજળીની સુવિધાઓ, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે જ માઢવાડ, નવાબંદર, વેરાવળ-2 અને સૂત્રાપાડામાં ચાર નવા મત્સ્ય બંદરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા : 105 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય એ માટે આપવામાં આવ્યું માર્ગદર્શન