

રાજ્યમાં ફરી મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મળતી માહિતી મુજબ 62 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગરના મહુવા પંથકમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભુજમાં 2 અને સાણંદમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ લખતરમાં દોઢ ઈંચ અને મહેસાણા શહેરમાં 2 કલાકમાં દોઢ ઈંચ જ્યારે અમદાવાદના દસક્રોઈમાં પણ સવાઈંચ વરસાદ વરસ્યો છે.

ગાંધીનગરના માણસામાં એક ઈંચ, મહેસાણાના જોટાણા, કડીમાં પોણો ઈંચ, અને ડભોઈ, પોશીનામાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અમરેલીના રાજુલા, સિદ્ધપુરમાં સવા ઈંચ, પલસાણા, વાલોડ, વડિયામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. બીજા દિવસે પણ જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે. ધાનેરા પંથકમાં ફરી એકવાર મેઘો મહેરબાન થયો છે. ધાનેરાના ખિમત,આલવાડા,વાંછડલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેના પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ધોધમાર વરસાદને પગલે હાઇવે અને નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા.

ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 107.6 ટકા વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ કચ્છમાં 165.58 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 115.54 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 87.90 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 96.27 અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 114.29 ટકા વરસાદ વરસ્યો છે.