- રાજ્ય હવામાન વિભાગે વરસાદ અંગે કરી આગાહી
- દ.ગુજરાતમાં નવરાત્રિ સમયે વરસાદી માહોલ
- અમદાવાદ,વડોદરા સહિત ઉ.ગુજરાતમાં પણ આંશિક વરસાદ
રાજ્યમાં એક તરફ નવરાત્રિની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે તેની વચ્ચે હજી પણ વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો. આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં વરસાદ ફરી વરસી શકે છે. જેમાં પણ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસી શકે છે. તેમજ અમદાવાદ અને વડોદરા થી લઈ ઉત્તર ગુજરાતમાં 25,26 અને 27 સામાન્ય વરસાદ રહી શકે છે.
જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવારણ સૂકું રહેશે. તેમજ ગીર સોમનાથ-અમરેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે તો વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે.
જોકે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 26 અને 27 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે.
આ પણ વાંચો : ગુજરાત: નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે
આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આણંદ, ખેડા તેમજ ઉ.ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ રહેશે.
ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. મોન્સુન 2022ની વિદાયની ટાઇમ લાઇન કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે.